સુરતમાં ૬ ફ્લાય ઓવર માટે રૂ. ૩૮૦ કરોડની ફાળવળી

Spread the love

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા લોકોના જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.

આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ ૫૦૨ જેટલા વિકાસકામો માટે સમગ્રતયા ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત રાજ્યની ચાર નગરપાલિકાઓ ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામો માટે કુલ રૂ. ૬૭.૭૦ કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલી દરખાસ્તોને તેમણે અનુમતિ આપી છે.

ગુજરાતની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે ૨૦૧૦થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી છે.

આ બહુહેતુક યોજનામાંથી નગરો-મહાનગરોમાં ટ્રાફિકભારણ સરળ કરવા, ફ્લાયઓવરબ્રિજ નિર્માણ માટે, અર્બન મોબિલિટી માટે, તેમજ નગરની આગવી ઓળખ ઊભી કરતાં કામો સાથે રોડરસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ, જેવા સામાજિક અને ભૌતિક આંતર-માળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદઅનુસાર, સુરત મહાનગરમાં યાતાયાત સરળ બને અને માર્ગ પરના ટ્રાફિકનું ભારણ હળવું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાને ૩૮૦ કરોડ રૂપિયા ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીએ સુરતમાં જે ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે રૂ. ૩૮૦ કરોડ મંજૂર કર્યા છે, તેમાં ઈસ્ટ ઝોન એ(વરાછા) વિસ્તારમાં સુરત-કામરેજ રોડ ઉપર એન્ટ્રી એક્ઝિટ રેમ્પ અને શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાયઓવરબ્રિજ, સુરત-બારડોલી રોડ ઉપર એ.પી.એમ.સી. જંક્શન નજીક ફ્લાયઓવર બ્રિજ, વલ્લભાચાર્ય રોડ પર હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ, સાઉથ ઈસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં મીડલ રીંગરોડ મહારાણા પ્રતાપ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ અને નીલગીરી સર્કલ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારના ૪૬ જેટલા વિકાસકામો માટે ૩૧૬ કરોડ રૂપિયા પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ ૪૬ કામોમાં ડ્રેનેજ, સ્યુએઝ પ્લાન્ટ, રોડરસ્તાના કામો તેમ જ પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન તેમ જ દક્ષિણ પશ્ચિમ ઝોનના કામો સમાવિષ્ટ છે.

તેમણે વડોદરા મહાનગરપાલિકાને પણ આઉટગ્રોથ વિસ્તારના ૫૦ કામો માટે ૬૮.૦૪ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.
વડોદરા મહાનગરમાં આ કામો અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટરના કામો, રોડના કામો, સ્ટ્રીટ લાઈટના કામો સાથે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનના વિવિધ કામો હાથ ધરાશે.

એટલું જ નહીં, વડોદરા મહાનગર પાલિકાને ભૌતિક આંતર-માળખાકીય સુવિધાના પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને જુદાજુદા ઝોનમાં ગટર, વરસાદી ગટર, બિલ્ડિંગ, બ્રિજ પ્રોજેક્ટ, પાર્ક્સ, ગાર્ડનના કામો વગેરે મળી ૩૭૦ કામો માટે ૭૫૫.૯૬ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ૧૪૪.૪૩ કરોડ રૂપિયા આંતર-માળખાકીય વિકાસ માટે મંજૂર કર્યા છે. આ રકમમાંથી ૩૬ કરોડ રૂપિયા શહેરની આગવી ઓળખના પાંચ કામો માટે ખર્ચ થશે.

આ કામોમાં કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ, કોબા સર્કલથી તપોવન તથાકોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલથી શાહપુર સર્કલ સુધીના રસ્તાની બન્ને બાજુ લેન્ડસ્કેપિંગ, બ્યુટિફિકેશન તથા પબ્લિક સ્પેસ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરાશે.
ઉપરાંત પી.ડી.પી.યુ.-ગિફ્ટ સિટી રોડ પર બ્યુટિફિકેશનની કામીગીરી હાથ ધરાશે.

આ ઉપરાંત રાયસણ, સરગાસણ સહિતના વિસ્તારોમાં રોડરસ્તાનાં ત્રણ કામો, છ બગીચાઓનાં નવીનીકરણ, સ્ટોર્મ વોટર વોટર ડિસ્પોઝલ અને ડ્રેનેજ લાઈન સહિતના કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના આવા કુલ ૧૩ કામો માટે ૯૭.૪૩ કરોડ રૂપિયાને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાજિક આંતર-માળખાકીય સુવિધા માટે રાયસણ ખાતે સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર તથા રાંદેસણ ખાતે નવીન પાર્ટી પ્લોટના નિર્માણની કામગીરી, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંગણવાડીઓ અને પી.એચ.સી. કેન્દ્રોના રિનોવેશન અને બાંધકામની કામગીરી સહિતના કામો માટે ૧૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
સમગ્રતયા ગાંધીનગરને ૨૨ કામો માટે ૧૪૪.૪૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૨૦૨૧-૨૨થી ૨૪-૨૫ના વર્ષોમાં રાજ્ય સરકારે ૮ મહાનગરોમાં આંતર-માળખાકીય વિકાસના કામો માટે કુલ ૯૫૯૧.૪૯ કરોડ, આઉટગ્રોથ એરિયાના કામો માટે ૧૩૮૮.૮૫ કરોડ અને ફ્લાય ઓવર બ્રિજ માટે ૧૧૪૧.૮૮ કરોડ મળીને સમગ્રતયા રૂપિયા ૧૨,૧૨૨ કરોડ ફાળવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>