ગ્રાફિકસ થકી ડેટા રજૂ કરવાની પદ્ધતી વિશે સેમિનારમાં ઉદ્યોગ સાહસિકોને માહિતી અપાઇ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૦ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ડેટા એનાલિસિસનું મહત્વ’વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં ટેક આંત્રપ્રિન્યોર નચિકેત પટેલે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને વિસ્તૃત માહિતી આપી ડેટા એનાલિસિસનું મહત્વ સમજાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડેટા વિવિધ પ્રકારનો હોય છે. ડેટા મેળવવાનું અને ડેટાનું એનાલિસિસ કરવાનું કામ ખૂબ જ અગત્યનું હોય છે. હાલમાં વૈશ્વિક સ્તરે ડેટાની વધુ ડિમાન્ડ છે. ડેટાનો પણ એક વ્યવસાય બજારમાં જોવા મળે છે. અનેક લોકો ડેટા શેર કરીને પણ પૈસા મેળવે છે. ડેટા મેળવવાના કેટલાક રિસોર્સ બજારમાં ઉપલબ્ધ છે.
ટેક આંત્રપ્રિન્યોર નચિકેત પટેલે જણાવ્યું હતું કે, ડેટામાંથી મહત્વની બાબતોની નોંધ લેવી એટલે ડેટા એનાલિસિસ. તેમણે ડેટાનું મહત્વ સમજાવતા કહયું હતું કે, ડેટા એ સમસ્યાનું નિરાકરણ કરવામાં, પરફોર્મન્સને સમજવા માટે અને કાર્યમાં સુધારો કરવા માટે અત્યંત મહત્વનો હોય છે. ડેટા એનાલિસિસનો ઉપયોગ ગ્રાહકને શોધવા, સેલ્સ ફોરકાસ્ટિંગ, રિસ્ક મેનેજમેન્ટ, ફ્રોડ ડિટેકશન અને સોશિયલ મીડિયા એનાલિટીકસ ક્ષેત્રે થાય છે. તેમણે સેલ્સ ઓપ્ટીમાઇઝેશન સ્ટ્રેટેજી અને કસ્ટમર સેટીસ્ફેકશન એનાલિસિસ, સપ્લાય ચેઈન મેનેજમેન્ટ અને માર્કેટીંગ કેમ્પેઈનને અસરકારક બનાવવામાં ડેટા એનાલિસિસના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
વધુમાં તેમણે ઉદ્યોગ સાહસિકોને ડેટા મેળવવાના સોર્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડેટા મેળવ્યા બાદ ડેટાની પ્રાઇવસી અને સિકયુરિટી મહત્વની હોય છે. ગ્રાફિકસ થકી ડેટા રજૂ કરવાની પદ્ધતી અંગે તેમણે જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન દીપક શેઠવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની ડેટા બેન્ક કમિટીના ચેરમેન મુફદ્દલ હૈદરમોટાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ડેટા બેન્ક કમિટીના કો ચેરમેન જયેશ દવેએ સેમિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે કો ચેરમેન વિશાલ શાહે વક્તાનો પરિચય આપ્યો હતો. નિષ્ણાંત વકતાએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.