સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી અને ધ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા. ૩ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા ખાતે ‘ડિસ્કવર ધ ગેટવે ટુ ડિજીટલ બિઝનેસ ગ્રોથ ઓન વોટ્સએપ અને GST એન્ડ FSSAI’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના સેક્રેટરી જનરલ પ્રવિણ ખંડેલવાલે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ટેલિફોન અને કોમ્યુનિકેશનના વર્ષ ૮૦–૯૦ના દાયકાની યાદ ઉદ્યોગ સાહસિકોને અપાવી હતી. અગાઉના દશકોમાં સમય સીમિત બિઝનેસ જોવા મળતો હતો, પરંતુ હાલમાં સમય અને સ્થળની મર્યાદા ઓળંગીને સોશિયલ મીડિયાના ઉપયોગ થકી બિઝનેસ થવા લાગ્યો છે. જેના ઉપયોગથી ઉદ્યોગ સાહસિકો પોતાના બિઝનેસનું ગ્રોથ કરી શકે છે. હાલમાં માત્ર ભારતમાં જ વોટ્સએપ બિઝનેસના ૪૦ કરોડથી વધુ યુઝર્સ છે, જેઓ વોટ્સએપ બિઝનેસ થકી ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના સેક્રેટરી જનરલ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દેશનો વેપારી દેશની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે. એમએસએમઇમાં વેપારીઓ માટે લાભદાયી અનેક સ્કીમો છે, પરંતુ અનેક ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ તેનાથી અજાણ છે. આગામી પ વર્ષમાં એમેઝોન, ફિ્લપકાર્ટ જેવી ઈ–કોમર્સ સાઈટને પાછળ મૂકી સોશિયલ કોમર્સ હરણફાળ રીતે આગળ વધશે.
હાલમાં એક વર્ષમાં સોશિયલ કોમર્સ થકી ૮ બિલિયન ડોલરનું વેચાણ થાય છે, જે વર્ષ ર૦ર૩ સુધી ૮પ બિલિયન ડોલરનું થઈ જશે. દરેક વેપારીએ પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માટે સોશિયલ કોમર્સનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટનો લક્ષ્યાંક ૧૦ હજાર વેપારીઓને સોશિયલ કોમર્સ પર લાવવાનો છે. હાલમાં સફળ વ્યાપાર કરવા માટે ઈન્ટરનેટ, ટેકનોલોજી, કોમ્યુનિકેશન, નેટવર્કીંગ અને લોજીસ્ટિક હોવું ખૂબ જ જરૂરી છે.
રોહન દેસાઈએ ઉદ્યોગ સાહસિકોને આગામી સમયમાં જીએસટીમાં આવનારા ફેરફારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે મેટાના કર્મચારી નેહા બજાજ અને પ્રિયાંશ દ્વારા ઉદ્યોગ સાહસિકોને વોટ્સએપ બિઝનેસ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બિઝનેસ કેવી રીતે કરી શકાય? તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ચેમ્બરની ફૂડ પ્રોસેસિંગ કમિટીના સભ્ય ચંદ્રેશ કંસાગરાએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટમાં વેપારીઓને નડતરરૂપ પ્રશ્નોની નવી દિલ્હી ખાતે સંબંધિત વિભાગને રજૂઆત કરવા માટે કેટના સેક્રેટરી જનરલ પ્રવિણ ખંડેલવાલને મૌખિક રજૂઆત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની રિટેઈલ ટ્રેડ કમિટીના ચેરમેન પ્રમોદ ભગતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે કમિટીના કો–ચેરમેન મિતેશ શાહે સેમિનારનું સંચાલન કર્યું હતું. રિટેઈલ ટ્રેડ કમિટીના કો–ચેરમેનો ચંપાલાલ બોથરા અને બરકતઅલી પંજવાણી, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. વકતાઓએ વેપારીઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.