મુંબઇ ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO)ના વેસ્ટર્ન રિજીયનના રિજીયોનલ ચેરમેન પરેશ કે. મહેતા અને દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભારત ખાતેના મુખ્ય પ્રતિનિધિ સમીર નવાણી સાથે મિટીંગ થઇ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત મંગળવાર, તા. પ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ મુંબઇ ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO)ના વેસ્ટર્ન રિજીયનના રિજીયોનલ ચેરમેન પરેશ કે. મહેતા સાથે મિટીંગ કરી હતી.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ સમગ્ર ભારતમાં ૩ર૦૦૦થી વધુ નિકાસકારોનું પ્રતિનિધિત્વ કરે છે. નિકાસકારોને તેમના નિકાસ વ્યવસાયોને સુધારવા માટે જરૂરી સહાય અને લાભો આપે છે. રાષ્ટ્રીય કક્ષાની આ સંસ્થા ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અંતર્ગત સેટઅપ થયેલી છે અને ભારતમાંથી નિકાસને વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
વૈશ્વિક સ્તરે ‘મેડ ઇન ઇન્ડિયા’ઉત્પાદનોની માંગ વધી રહી છે, ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ તથા નિકાસકારો પણ આ વલણને ઓળખે અને આ તકનો લાભ તેમના વ્યવસાયોને વિસ્તારવા માટે કરી શકે તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત પ્રયાસો કરાઇ રહયા છે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો માત્ર સુરત અને ગુજરાત પૂરતા જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય દેશોના કોન્સુલ જનરલ, બિઝનેસ સેટઅપ કરવા ગાઇડન્સ અને સર્વિસ આપતી વિવિધ સંસ્થાઓ અને વેપારિક એસોસીએશનોની મુલાકાત લઇ રહયા છે, જેના ભાગ રૂપે ગતરોજ FIEOના વેસ્ટર્ન રિજીયનના રિજીયોનલ ચેરમેન પરેશ કે. મહેતા સાથે મિટીંગ કરી હતી અને તેમની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કરી તેમની સંસ્થા સાથે જોડાયેલા ૩ર૦૦૦થી વધુ નિકાસકારોને મિશન ૮૪ના ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલ પર ઓનબોર્ડ થવા માટે અનુરોધ કર્યો હતો.
FIEOના પરેશ કે. મહેતાએ ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટને ભારતની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો ગણાવ્યો હતો અને આ પ્રોજેકટને તેમના વેસ્ટર્ન રિજીયનના ૩ર૦૦૦થી વધુ નિકાસકારો સુધી પહોંચાડવાની અને તેઓને આ પ્રોજેકટની સાથે જોડવા માટે ખાતરી આપી હતી. ચેમ્બર પ્રમુખે તેમને ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બિઝનેસ મીટ માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ ઉપરાંત ચેમ્બરના હોદ્દેદારોએ મુંબઇ ખાતે દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભારત ખાતેના ગ્લોબલ માર્કેટ સેકટરના મુખ્ય પ્રતિનિધિ સમીર નવાણી સાથે મિટીંગ કરી હતી અને તેમને પણ મિશન ૮૪ પ્રોજેકટથી સંપૂર્ણપણે વાકેફ કર્યા હતા. સાથે જ તેઓને આ પ્રોજેકટની સાથે દુબઇના બિઝનેસમેનોને જોડવા માટે અનુરોધ કર્યો હતો, જેથી કરીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ દુબઇના બિઝનેસમેનોના સીધા સંપર્કમાં આવી તેઓને પોતાની પ્રોડકટ એક્ષ્પોર્ટ કરી શકે.
દુબઇ ચેમ્બર ઓફ કોમર્સના ભારતના મુખ્ય પ્રતિનિધિ સમીર નવાણી પણ મિશન ૮૪થી પ્રભાવિત થયા હતા અને દુબઇના બિઝનેસમેનોને મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે કનેકટ કરવાની ખાતરી આપી હતી. તેમણે ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને દુબઇ ખાતે બિઝનેસ કરવા માટે દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓના બિઝનેસ ડેલીગેશનને દુબઇ ખાતે એપ્રિલથી જૂન મહિનાના સમયગાળા દરમ્યાન બિઝનેસ મીટ માટે આમંત્રણ આપ્યું હતું.
બીજીતરફ, ચેમ્બર પ્રમુખે પણ દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ દુબઇના બિઝનેસમેનોના પ્રતિનિધિ મંડળને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઉદ્યોગ – ધંધાની મુલાકાત માટે તેમજ બિઝનેસ મીટ માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો.