સેબીના નિયમોનું પાલન એ માત્ર રેગ્યુલેટરી ફોર્માલિટી નથી પણ ફાયનાન્શીયલ માર્કેટમાં ટ્રાન્સપરન્સી અને ક્રેડિબિલિટી જાળવી રાખવાનો એક માર્ગ છેઃ ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

Spread the love

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેબી સાથે કોમ્પ્લાયન્સ વિષય પર સેશન યોજાયું

સોવેરિન ગોલ્ડનું શોર્ટ ટર્મમાં વેચાણ કરતાં રોકાણકારને વધુ ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે લોંગ ટર્મ એટલે કે ૮ વર્ષ પછી સરકારને જ સોવેરિન ગોલ્ડનું વેચાણ કરતાં રોકાણકાર નોન-ટેક્ષેબલ રહે છે અને સારો નફો મેળવે છેઃ એસકેએસ કોમ્પ્લાયન્સ એડવાઈઝરના સંસ્થાપક શ્રી સૌરભ શાહ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવારે, તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે સેબી સાથે કોમ્પ્લાયન્સ વિષય પર સેશન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે એસકેએસ કોમ્પ્લાયન્સ એડવાઈઝરના સંસ્થાપક શ્રી સૌરભ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી બિરજુ મોરખિયા તથા કન્સલ્ટન્ટ શ્રી દેવેશ શાહે સ્ટોકબ્રોકર્સ અને એપી (ઓથોરાઈઝ્ડ પર્સન)ને સેબીના નિયમોમાં આવતાં ફેરબદલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સેબી ભારતના સિકયુરિટી માર્કેટ, ટ્રાન્સપરન્સી અને રોકાણકારોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સબ–બ્રોકર્સ તરીકે, સેબીના નિયમો માત્ર બિઝનેસ માટે જ નહીં, પરંતુ સમગ્ર બજારની વિશ્વસનીયતા માટે મહત્વના છે. જો કે, ટ્રેડિંગમાં ટેકનોલોજીને ઝડપથી અપનાવવાથી સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ અને ડેટા અંગેની ગોપનીયતા જેવા પડકારો પણ ઉભા થયા છે, ત્યારે સેબી ડેટા સિકયુરિટી, સસ્ટેનેબિલિટી તથા એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ કોમ્પ્લાયન્સની ફાયનાન્શીયલ માર્કેટની સાથે ગતિ જાળવી રાખવા સતત ડેવલપમેન્ટ કરી રહી છે, આથી સેબીના નિયમોનું પાલન એ માત્ર રેગ્યુલેટરી ફોર્માલિટી નથી પણ ફાયનાન્શીયલ માર્કેટમાં ટ્રાન્સપરન્સી અને ક્રેડિબિલિટી જાળવી રાખવાનો એક માર્ગ છે.’

શ્રી દેવેશ શાહે રોકાણકારોને ફિઝીકલ શેરને ડિમેટ કેવી રીતે કરવા તે અંગે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફિઝીકલ શેરમાં ઈક્વિટી, NCD, પાર્ટી પેડ અપ, PCD, બોન્ડ અને મ્યુચુઅલ ફંડ સર્ટિનો સમાવેશ થાય છે. ફિઝીકલ શેરને ડિમેટમાં કરવામાં આવતી સમસ્યાઓમાં મુખ્યત્વે સિંગલ નામ, એકાઉન્ટ બે અથવા ત્રણ નામો સાથે જોઈન્ટ હોવું, એક કરતાં વધુ સર્ટિફિકેટ અલગ-અલગ નામથી હોવા, જોઈન્ટ હોલ્ડિંગમાં એક હોલ્ડરનું એક્સ્પાયર થવું, હોલ્ડરનું મૃત્યુ થવું વગેરેનો સમાવેશ થાય છે.

શ્રી બિરજુ મોરખિયાએ જણાવ્યું હતું કે, ’૨૩ જુલાઇ ૨૦૨૪ના રોજના બજેટ પછી લિસ્ટેડ સ્ટોક્સ, ઈક્વિટી અને MFs/ETFsની ખરીદી કર્યા બાદ ૧૨ મહિના પૂર્ણ થવાના પહેલા વેચાણ (શોર્ટ ટર્મમાં વેચાણ) કરવામાં આવે તો ૨૦% અને ૧૨ મહિના પછી (લોંગ ટર્મમાં વેચાણ) વેચાણ કરવામાં આવે તો ૧૨.૫૦% ટકા ટેક્સ ચૂકવવો પડે છે. સોવેરિન ગોલ્ડનું શોર્ટ ટર્મમાં વેચાણ કરતાં રોકાણકારને વધુ ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે લોંગ ટર્મ એટલે કે ૮ વર્ષ પછી સરકારને જ સોવેરિન ગોલ્ડનું વેચાણ કરતાં રોકાણકાર નોન-ટેક્ષેબલ રહે છે અને સારો નફો મેળવે છે. ન્યુ રિઝીમ સેક્શન ૮૭-એ હેઠળ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના મૂડી લાભ માટે રૂ. ૨૫,૦૦૦ ની છૂટની મંજૂરી નથી. વધુમાં તેમણે ઈન્કમ ટેક્ષના સેક્શન ૫૪-એફ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

શ્રી સૌરભ શાહે રોકાણકારોને સેબીના કાયદાઓનું પાલન કરીને લાભ લેવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સેબી રોકાણકારોની સુરક્ષાને ધ્યાને રાખી નવા નિયમો લાવે છે. તેના પાછળ સેબીનો મુખ્ય હેતુ રોકાણકારને નુકસાન નહીં થાય તેવો છે. ઓથોરાઈઝ્ડ પર્સનએ પ્રિ-ઓર્ડર વખતે કન્ફર્મેશન અથવા વોઈસ રેકોર્ડિંગ રાખવી જોઈએ, જેથી સંકટના સમયે તેમનો બચાવ થઈ શકે. એપીએ ક્યારેય પણ પોતાના એકાઉન્ટમાં ગ્રાહક (રોકાણકાર)ના પૈસાની લેવડ-દેવડ નહીં કરવી જોઈએ. એપી પાસે શેરબ્રોકરનું સર્ટિફિકેટ ધરાવતું બોર્ડ હોય તો તે ઘરેથી જ કામ પણ કરી શકે છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એપીએ કોઈ પણ જાહેરાતથી પહેલા શેરબ્રોકર અને સેબી તરફથી પરવાનગી અવશ્ય લેવી જોઈએ. સાથે જ કોઈ પણ પ્રકારના ગેર-કાયદેસર કાર્યો નહીં કરવા જોઈએ.’

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, ઓથોરાઈઝડ પર્સન, રોકાણકારો અને શેરબ્રોકરો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ગ્રૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટના સભ્ય શ્રી ભરત ધામેલિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>