સુરત શહેર ટ્રાફિક પોલીસની સાથે મળીને ત્રણ દિવસ દરમ્યાન ઉધના, પાંડેસરા, સચિન અને અમરોલી વિસ્તારમાં ૪૦૦૦ જેટલા શ્રમિકોની સાયકલો પર રેટ્રો રિફલેકટર લગાવવામાં આવ્યા
સુરતઃ સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો મોટા ભાગે ઘરેથી ફેટકરી અને ફેકટરીથી ઘરે જવા માટે સાયકલનો ઉપયોગ કરતા હોય છે. મોટા ભાગે રાત્રિ દરમ્યાન તેઓ અંધારામાં સાયકલ પર પસાર થતા હોય છે ત્યારે કેટલીક વખત તેઓ અકસ્માતનો ભોગ બની જતા હોય છે. આ અકસ્માતમાં કેટલીક વખત તેઓને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે અંધારામાં પણ તેઓની સાયકલને અન્ય વાહનચાલકો જોઇ શકે તે માટે તેઓની સાયકલ પર રેટ્રો રિફલેકટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧પ જાન્યુઆરીથી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન ટ્રાફિક નેશનલ મન્થ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના નેજા હેઠળ તા. ૧૩થી ૧પ ફેબ્રુઆરી, ર૦ર૪ દરમ્યાન ઉધના રોડ નંબર ૬ ખાતે બ્રિજ પાસે, ડિંડોલીના સાઇ પોઇન્ટ પાસે, સચિન નોટિફાઇડ એરિયા ગેટ નંબર ૧ અને અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રી પાસે શ્રમિકોની સાયકલો પર રેટ્રો રિફલેકટર લગાવવામાં આવ્યા હતા.
ચેમ્બરની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના ચેરપર્સન કામિનીબેન ડુમસવાલા, કો–ચેરમેન કૃષ્ણરામ ખરવર અને કમિટીના અન્ય સભ્યો તથા નાયબ પોલીસ કમિશ્નર અમિતાબેન વાનાણીની મદદથી સુરત શહેર ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.જી. ભુવા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ત્રણ દિવસ દરમ્યાન ૪૦૦૦ જેટલા શ્રમિકોની સાયકલો પર રેટ્રો રિફલેકટર લગાવ્યા હતા. આ કામગીરીમાં ત્યાંથી પસાર થતા કેટલાક મીલના માલિકો તેમજ સામાજિક સેવાભાવિ સંસ્થાના કર્મચારીઓ પણ જોડાયા હતા.