ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બારડોલીમાં ઇન્ટુકનાં આગેવાનો દ્વારા રાહુલ ગાંધીને પત્ર આપી સુરત સહિત દક્ષિણ ગુજરાતના કામદારોના પ્રશ્નો બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સુરતના બારડોલીથી પસાર થઈ હતી. આ દરમિયાન ઈન્ટુકના ગુજરાત પ્રદેશ પ્રમુખ નૈશાદ દેસાઈ, સુરત ઈન્ટુક પ્રમુખ ઉમાશંકર મિશ્રા, કામદાર નેતા અને ઈન્ટુક અગ્રણી શાન ખાન સહિત ઈન્ટુકના અન્ય હોદ્દેદારોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ઈન્ટુક દ્વારા કામદારોનાં પ્રાણ પ્રશ્નો બાબતે એક પત્ર રાહુલ ગાંધીને આપવામાં આવ્યો હતો. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઈલ, ડાયમંડ સહિત અન્ય ઔદ્યોગિક એકમોમાં લાખો કામદાર ભાઈ-બહેનો કાર્યરત છે, જેમના લોહી અને પરસેવાથી ઉદ્યોગો ચાલે છે. આમાં મોટાભાગના કામદારોના ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા જેવા રાજ્યોના પરપ્રાંતિય કામદારો છે. ઉપરોક્ત એકમોમાં કામ કરતા કામદારોનું ભારે શોષણ થઈ રહ્યું છે, તેઓને કોઈપણ પ્રકારના કાયદાકીય લાભો અને સુવિધાઓ મળી રહી નથી અને કામદારો પાસે તેમની શારીરિક ક્ષમતા કરતા વધુ કામ કરાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના કામદારો લઘુત્તમ વેતન, PF, ESI, ગ્રેજ્યુટી વગેરે જેવા મૂળભૂત અધિકારોથી પણ વંચિત છે અને આ ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને ન તો કોઈ નોકરીની સુરક્ષા છે કે ન તો કોઈ સ્વાસ્થ્ય કે સામાજિક સુરક્ષા. માલિકો કોઈપણ કારણ બતાવ્યા વગર મનસ્વી રીતે કામદારોને જ્યારે ઈચ્છે ત્યારે કાઢી મૂકે છે.
આ ઉદ્યોગોમાં ભારે મશીનો અને ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે સુરક્ષા અને સલામતીના સાધનો આપવા જરૂરી છે પરંતુ કામદારોને કોઈપણ પ્રકારના સલામતી અને સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી જેના કારણે અવારનવાર અકસ્માતો થતા રહે છે. અને કામદારો જીવ ગુમાવે છે અને ગંભીર રીતે ઘાયલ પણ થાય છે, પરંતુ આવી સ્થિતિમાં પણ કામદારો અને તેમના પરિવારજનોને યોગ્ય વળતર મળતું નથી. ઉદ્યોગોના માલિકોને સત્તાનું સીધું રક્ષણ પ્રાપ્ત છે કોઈપણ સરકારી વિભાગમાં કામદારોની કોઈ સુનાવણી થતી નથી જો કોઈ કામદાર તેની સાથે થઈ રહેલા અન્યાય સામે ફરિયાદ કરે તો તે કામદારને ડરાવી-ધમકાવીને અનેક પ્રકારે ત્રાસ આપવામાં આવે છે. વર્તમાન સમયમાં કામદાર અને શ્રમિક વર્ગ આવા તમામ અન્યાય સામે ઝઝૂમી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં સુરત અને દક્ષિણ ગુજરાતના કામદારોને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે તેથી અમારી માંગણી છે કે અમારા ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ કામદારો માટે ન્યાયનો અવાજ બુલંદ કરો.