સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ર૩ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ બપોરે ર:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘બિઝનેસ ઓપર્ચ્યુનિટીઝ ઈન ડિફેન્સ સેક્ટર’ વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી અને સિંકથ્રેડસ કોમ્પ્યુટીંગ પ્રાઈવેટ લિ.ના ડાયરેક્ટર ઋષભ ગોરડિયાએ ઉદ્યોગ સાહસિકોને ડિફેન્સ ક્ષેત્રે બિઝનેસમાં રહેલી તકો વિશે માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ‘હાલમાં ભારત સંરક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ૩. ૭ ટકા ખર્ચ કરે છે. જે વિશ્વમાં યુ.એસ અને ચીન પછી સૌથી વધુ સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ કરતો દેશ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-ર૪માં રક્ષા ક્ષેત્રનું બજેટ પ,૯૩,પ૩૭.૬૪ કરોડ રહ્યું છે. મેક ઈન ઈન્ડિયાનો હેતુ ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શનને વધારવાનો છે. જે વર્ષ ૨૦૧૯માં પ૪ ટકા હતું તે વધીને વર્ષ ૨૦ર૪ સુધી ૭પ ટકા થઈ ગયું છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે એક્ષ્પોર્ટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં સંરક્ષણ ક્ષેત્રે ૬૮૬ કરોડનું એક્ષ્પોર્ટ થતું હતું. જે હવે વધીને ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનું થઈ ગયું છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારત હાલમાં ૮પ થી વધુ દેશોમાં સંરક્ષણના વિવિધ સાધનોનું એક્ષ્પોર્ટ કરી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ઈનોવેશન માટે સરકારે અનેકવિધ પ્રયાસો કરવાની સાથે જ સ્ટાર્ટ-અપ માટે પણ સંરક્ષણ ક્ષેત્રના દ્વાર ખુલ્લા કર્યા છે. સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૩-ર૪માં નેશનલ ડેટા ગવર્નમેન્ટ પોલિસી જાહેર કરવામાં આવી હતી, જેથી સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન મળવાની સાથે જ સંરક્ષણ ક્ષેત્રે ઈનોવેશન અને સંશોધન થાય.’
અરૂણ ચૌધરી (ડાયરેકટર, ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ જણાવ્યું હતું કે, ‘સંરક્ષણ ક્ષેત્રે બિઝનેસની અનેક તકો છે, પણ સૌથી મહત્વનું છે કે પ્રોડક્ટમાં ઈનોવેશન અને રિસર્ચ હોય. જે સંરક્ષણ ક્ષેત્ર માટે ઉપયોગી નીવડે. હાલમાં ભારત વિશ્વના ૮પ થી વધુ દેશોને શસ્ત્રો એક્ષ્પોર્ટ કરી રહ્યું છે, તે ક્ષમતાને વધારીને ઘાના અને વિયેતનામ જેવા નાના-નાના દેશોમાં એક્ષ્પોર્ટ કરી શકે છે. જેમાં મુખ્યત્વે આર્ટીલરી ગન્સ, બ્રમ્હાસ મિસાઈલ્સ, પિનાકા રોકેટ્સ, લોન્ચર્સ અને રડારનો સમાવેશ થાય છે.’
તેમણે સંરક્ષણ ક્ષેત્રે રહેલી તકો વિશે જણાવતાં કહ્યું હતું કે, ‘એઆઈ (AI) ઈન સાયબર સિક્યુરિટી, એઆઈ (AI), કાઉન્ટર-ટેરરિસ્ટ ઓપરેશન, એટેક સ્ટ્રેટર્જીસ, ઈલેક્ટ્રો-મેકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધનની સાથે ઈનોવેશન કરતાં સ્ટાર્ટ-અપ માટેની નવી અનેક તકો રહેલી છે. તેમણે ડીઆરડીઓ MSME ઉદ્યોગની શરૂઆતથી માંડીને ટેસ્ટીંગ, રિસર્ચ અને ડેવલપમેન્ટ તેમજ ટ્રેનિંગમાં કેવી રીતે મદદરૂપ થાય છે અને નવી MSME કંપની કેવી રીતે આનો લાભ લઈ શકે છે તે અંગે માહિતી આપી હતી. આ સાથે જ તેમણે ડીઆરડીઓના ઈતિહાસને યાદ કરતાં વર્ષ ૧૯પ૮માં માત્ર રૂ.પ કરોડથી શરૂઆત થયેલી સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી.’
સિંકથ્રેડસ કોમ્પ્યુટીંગ પ્રાઈવેટ લિ.ના ડાયરેક્ટર ઋષભ ગોરડિયાએ જણાવ્યું હતું કે, ‘સંરક્ષણ ક્ષેત્ર સ્ટાર્ટ-અપ માટે એક મોટું માર્કેટ છે. જેમાં સરકાર તરફથી સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન ધરાવતી કંપનીને વિવિધ પ્રકારની સહાય મળે છે. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્ષેત્રમાં પણ અનેક તકો રહેલી છે. ભારતીય આર્મીને કેવા પ્રકારના પ્રોડક્ટ જોઈએ? તેનું રિસર્ચ કરીને પ્રોડક્ટ બનાવવામાં આવે તો ઉદ્યોગ સાહસિક માટે ડીઆરડીઓ સાથે જોડાવવું વધુ સરળ બની શકે છે. ’
તેમણે ભારતીય આર્મીમાં વપરાતી નેવિગેશન સિસ્ટમ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ જેવા બિઝનેસ વર્ટિકલ્સની માહિતી આપી હતી. નેવિગેશન વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સેટેલાઈટ અને મોબાઈલ ડેટા વગર સૈનિકો સિસ્ટમનો ઉપયોગ કરીને યોગ્ય માર્ગની પસંદગી કરે છે તે જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની ડિફેન્સ કમિટીના ચેરપર્સન આશા દવેએ સર્વેનો આભાર માન્યો હતો. જ્યારે ડિફેન્સ કમિટીના સભ્યો રવિન સંઘવી અને ડો. ડી.વી.ભટ્ટે વક્તાઓનો પરિચય આપ્યો હતો.