- સુરત ડાયમંડ બુર્સને પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા વધુ પ્રતિસાદ
સુરત ડાયમંડ બુર્સમાં ગઇ તા.21મી નવેમ્બરે કિરણ જેમ્સ સહિત અનેક કંપનીઓએ શરૂ કરેલા કામકાજના પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા પણ જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપની કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ માટે જનારા બ્રોકરો તેમજ ટ્રેડરો માટે 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર દિવાળી પહેલાથી આપવામાં આવી હતી. એવી જ રીતે ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી અન્ય ડાયમંડ કંપનીઓએ પણ હીરાની લેવેચમાં આકર્ષક ઓફરો આપી હતી. જેના પ્રતિસાદમાં મુંબઇ તેમજ ગુજરાતના અમદાવાદ, રાજકોટ વગેરે વિસ્તારના બ્રોકરો અને ટ્રેડરો શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં ડાયમંડ બુર્સમાં પહોંચ્યા હતા અને હીરાની લેવેચની પ્રક્રિયા હાથ ધરી હતી. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી કંપનીઓને આ પ્રકારનો રિસ્પોન્સ મળતા રોજેરોજ નવા ઓફિસ ધારકો ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવાની તજવીજ હાથ ધરી દીધી છે.
નાણામંત્રી, ઉડ્ડયન મંત્રીને બુર્સના ઉદઘાટનનું આમંત્રણ અપાયું
સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, લાલજીભાઇ ઉગામેડી, મથુરભાઇ સવાણી, અશેષભાઇ દોશી સહિતના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળ આગામી તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ડાયમંડ બુર્સના થનારા ઉદઘાટનની આમંત્રણ પત્રિકાઓ આપવા માટે નવી દિલ્હી પહોંચ્યું હતું. જ્યાં બુર્સના ડેલિગેશને સુરતના સાંસદ શ્રીમતી દર્શના જરદોષને સાથે રાખીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રણ પાઠવ્યા હતા. નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતને બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની અગાઉ આપેલી ખાતરીને દોહરાવી હતી.