રવિવારે રીંગરોડ કમેલા દરવાજા ખાતે સુરત શહેર ટેમ્પો ઓનર ડ્રાઈવર વેલ્ફેર એસોસિએશન, સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન અને મીલ ટેમ્પો ડિલિવરી કોન્ટ્રાક્ટર એસોસિએશન સુરતના સંયુક્ત નેજા હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માર્કેટમાં પાર્કિંગની સમસ્યા સહિત અન્ય સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં હાજર ટેમ્પો એસોસિએશનના પ્રમુખ શ્રવણસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, માર્કેટમાં ગ્રે કપડાની ડિલિવરી કરતા કામદારોએ ગ્રે કાપડના સેમ્પલ બતાવા માટે પહેલા દુકાનમાં જવું પડે છે અને બાદમાં પાર્કિંગમાં પાર્ક રહેતા મીલના વાહનોને તથા વેપારીના ગોડાઉનમાં ડિલિવરી આપવાની હોય છે. આવી સ્થિતિમાં ટેમ્પો ચાલકને ગ્રેની ડિલિવરી માટે ડબલ ધક્કો ખાવો પડી રહ્યો છે. યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે માર્કેટમાં પ્રથમ એક કલાક મફત પાર્કિંગ આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો છે અને માર્કેટ મેનેજમેન્ટ દ્વારા ટેમ્પો ચાલકો પાસેથી મનસ્વી રીતે પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવી રહી છે. મીલ ટેમ્પો ડિલિવર કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે માર્કેટ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પે એન્ડ પાર્કનાં કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે પાર્કિંગ ફી વસૂલી રહ્યા છે અને એક જ પાર્કિંગમાં અલગ-અલગ લોકોને ગેરકાયદેસર પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેના કારણે ટેમ્પો ચાલકો પાસેથી એક જ પાર્કિંગમાં અલગ- અલગ પાર્કિંગ ફી વસૂલવામાં આવી છે. આ સાથે પે એન્ડ પાર્કનાં કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફાળવવામાં આવેલ પાર્કિંગ એરિયાની બહાર રોડ પર વાહનો પાર્ક કરાવીને ગેરકાયદેસર રીતે પાર્કિંગ ફી વસૂલવામાં આવી રહી છે જેના કારણે ટેમ્પો ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં ઉપરોક્ત તમામ સમસ્યાઓ અંગે આંદોલન કરવામાં આવશે. મીટીંગમાં ટેમ્પો ચાલક કામદારોને ડ્રાઈવીંગ કરતી વખતે ડ્રાઈવીંગ લાયસન્સ, પીયુસી, ઈન્સ્યોરન્સ સહિતના તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કામદારો અને ટેમ્પો ચાલકો ઉપસ્થિત રહ્યા હતા.