SGCCI દ્વારા ‘હાઇ ટેક હોર્ટિકલ્ચર’વિષે સેમિનાર યોજાયો
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નાયબ બાગાયત નિયામક સુરત વિભાગના સહયોગથી ગુરૂવાર, તા. ર૬ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૯:૩૦ કલાકથી બપોરે ૧:૩૦ કલાક દરમ્યાન સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘હાઇ ટેક હોર્ટિકલ્ચર’વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં સુરતના સંયુકત બાગાયત નિયામક ડો. એચ.એમ. ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં નિષ્ણાંત વકતા તરીકે બાયો ટેકનોલોજી કોલેજ, ASBI – Suratના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વાતિ પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટીસ્ટ શ્રી એન.જી. સવાણી, જૈન ઇરીગેશન, જળગાંવ–મહારાષ્ટ્રના શ્રી વિક્રમ ઘાટગે, તથા બેંગ્લુરુની એગ્રીહોક ટેકનોલોજીસ પ્રા.લિ.ના ફેલો શ્રી આદિત્ય ભટનાગર અને શ્રી હર્ષદ પટેલ તેમજ સુરતના નાયબ બાગાયત નિયામક શ્રી દિનેશ કે. પડાલિયાએ અનુક્રમે ટિશ્યુ કલ્ચર, મલ્ચીંગ એન્ડ ઇરીગેશન, ડ્રિપ ઇરીગેશન એન્ડ ડ્રિપ ફર્ટિગેશન, હાઇ ટેક હોર્ટિકલ્ચર માટે વેધર સ્ટેશનનો નવો કોન્સેપ્ટ તેમજ પોસ્ટ હાર્વેસ્ટ પ્રોસેસ અને હોર્ટિકલ્ચર વિભાગની સરકારની યોજનાઓ વિષે ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નેનો યુરિયા, એ ભારત દ્વારા રજૂ કરાયેલું એક નવીન ખાતર છે, જેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હેતુ પ્રમોટ કર્યું છે. સરકારની આ પહેલ, ખેડૂતોને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવે છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો વધતો ઉપયોગ, ટેકનોલોજી આધારિત ખેતી તરફ એક મહત્વપૂર્ણ પરિવર્તન છે, જે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે છે. ડ્રોન ટેકનોલોજીના પ્રશિક્ષણ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ખેડૂતોને તથા યુવાનોને ડ્રોન ટેકનોલોજીનું પ્રેકિટકલ નોલેજ આપી શકાશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ઘણા નવતર પ્રયોગો કર્યા છે. ખેડૂતો, ખેત પેદાશોને સીધા માર્કેટમાં પહોંચાડી શકે તે માટે સરકારે વિવિધ યોજનાઓ પણ બનાવી છે, જેનો વધુમાં વધુ લાભ લેવા માટે તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
સુરતના સંયુકત બાગાયત નિયામક ડો. એચ.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો હેતુ ખેડૂતો ટેકનોલોજીનો વધુને વધુ લાભ મેળવે તે છે. સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલકાનું સેજવાડ ગામ પ્લાસ્ટિક મલ્ચિંગના ઉપયોગમાં અને તેના થકી વધુ ઉત્પાદન મેળવવામાં મીની ઈઝરાયેલ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો હાલમાં ડ્રિપ ઈરિગેશન, ડ્રિપ ફર્ટિગેશન અને પ્લાસ્ટિક મલ્ચિંગથી ખેતી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બાગાયતને એક સમૃદ્ધ ઉદ્યોગ તરીકે વિકસાવવાની જરૂર છે, તે દિશામાં સૌએ પ્રયત્ન કરવાના છે. સરકારનો ઈઝરાયેલ સરકાર સાથે થયેલા કરાર મુજબ પ્રતિ જિલ્લા સેન્ટર ઓફ એકસલન્સ ખાતે ખેડૂતોને ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી રહી છે.
બાયો ટેકનોલોજી કોલેજ, ASBI – Suratના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વાતિ પટેલે ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, સારી ગુણવત્તાવાળા છોડનો લેબોરેટરીમાં ઉપયોગ કરીને તેનાથી હજારો રોપા બનાવવામાં આવે છે. ગુણવત્તાવાળા આ છોડના એક કોષમાંથી અસંખ્ય છોડ બનાવી શકાય છે. ટિશ્યુ કલ્ચરમાં સારી બાબત એ છે કે એમાં જીનેટિક ચેન્જ થતો નથી. એનામાં કોઈપણ છોડનો ઉપયોગ કરી શકાય છે અને તેનાથી અસંખ્ય છોડ પેદા કરી શકાય છે. તેમણે ટિશ્યુ કલ્ચર પદ્ધતિના જુદા જુદા તબક્કા વિષે માહીતી આપી હતી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને જે છોડ રોપવામાં આવે છે તેની લાક્ષણિકતા અને વય સમાન હોય છે, આથી એની મેચ્યુરેશન અને પાક લેવાનો સમય એક જ હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવસારી, આણંદ, દાંતી અને જુનાગઢ યુનિવર્સિટીમાં ટિશ્યુ કલ્ચરના રોપા ઉપલબ્ધ છે અને ખેડૂતો ત્યાંથી રોપા લઈ શકે છે. તેમણે કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકોને ટિશ્યુ કલ્ચર યુનિટ સેટઅપ કરવાની સલાહ આપી હતી અને તે સંબધિત વિસ્તૃત જાણકારી આપી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટીસ્ટ શ્રી એન. જી. સવાણીએ જણાવ્યું હતું કે, ખેતી માટે પાણી અને જમીન બંને સારા હોવા જોઈએ. તેમણે જુદા જુદા પાક માટે સુક્ષ્મ પિયત પદ્ધતિની પસંદગી, રચના અને જાળવણી વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ખેડૂતોને જમીન નહિ બગડે તેની કાળજી લેવા જણાવ્યું હતું. આ અંગે તેમણે કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં કેનાલ કમાન્ડ બનાવવામાં આવ્યું છે. જેને કારણે આખું વર્ષ પાણીની વ્યવસ્થા હોય છે પણ ૬૦થી ૭૦ હજાર હેકટર જમીન પર કોઈ પણ પાક લેવામાં આવતો નથી. પાકને કરેલી ફેરબદલીના કારણે જમીનોની ફળદ્રુપતા ઘટી રહી છે. વધુમાં તેમણે ખેડૂતોને પિયત અને ટપક પદ્ધતિ ઉપરાંત વોટર હાર્વેસ્ટીંગ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે, વોટર હાર્વેસ્ટીંગને કારણે ખારા પાણીનું લેવલ નીચે જાય છે અને મીઠા પાણીનું લેવલ ઉપર આવે છે.
શ્રી વિક્રમ ગાડગેએ જણાવ્યું હતું કે, પ્રિસાઈઝ ફાર્મિંગ કરવા માટે ઓટોમેશન મહત્વનું છે. ટપક સિંચન પદ્ધતિથી પાકોની જરૂરિયાત મુજબ જ પાણી આપવું જરૂરી છે, વધુ પ્રમાણમાં પાણી મળતાં પાક ખરાબ થવાની સંભાવના વધી જાય છે. ઓટોમેશન સિસ્ટમમાં હાર્ડવેર, વાયરલેસ, હાઇબ્રિડ અને વેબ બેઝ્ડ ઓટોમેશનનો સમાવેશ થાય છે. ઓટોમેશનના ઉપયોગથી છોડની સારી ગુણવત્તા, શ્રેષ્ઠ સિંચનની વ્યવસ્થા, વધુ જળ બચત, વધુ ફર્ટિલાઈઝરની બચત, લેબર, એનર્જી અને ખર્ચમાં બચત થાય છે અને પાકનું વધુ ઉત્પાદન મળે છે.
બાગાયત નિયામક અધિકારી ડો. દિનેશ કે. પડાલિયાએ જણાવ્યું હતું કે, ‘ફલડ ઈરિગેશનના કારણે પાકની સાથે જ જમીનનો બગાડ થવાની સંભાવના વધુ હોય છે. સારા પાક માટે જમીનને વધુ પાણીની નહીં પણ જમીનને ભેજની જરૂર હોય છે. ફલડ ઈરિગેશનના કારણે જમીનમાં છોડના મૂળનો વિકાસ સંકોચાય છે. જ્યારે ડ્રિપ ઈરિગેશનના કારણે મૂળનો વિકાસ બે ગણા વધુ થાય છે. ડ્રિપ ઈરિગેશન અને ડ્રિપ ફર્ટિલાઈઝેશન, પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરીને ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં બે ગણાથી વધુનો વધારો કરી શકાય છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જમીનમાં પાણીનું પ્રમાણ વધુ હોવાના કારણે ડ્રિપ ઈરિગેશન પદ્ધતિથી ખેતી કરવી જોઈએ.
શ્રી હર્ષદ પટેલે પ્લાસ્ટિક મલ્ચિંગ શીટના ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતી આપી હતી. સાથે જ ખેતીમાં મલ્ચિંગ શીટનો ઉપયોગ કેવી રીતે કરવો લાભદાયક હોય છે તે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. શ્રી આદિત્ય ભટ્ટનાગરે જણાવ્યું હતું કે, પાક અને જમીનને ધ્યાને રાખીને પાણી આપવું યોગ્ય હોય છે. જો ડ્રિપ ઈરિગેશન પદ્ધતિથી પાકને પાણી આપવામાં આવતું હોય તો તેનો શિડયુલ રાખવો જોઈએ.
ચેમ્બરની એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર એન્ડ ફર્ટિલાઇઝર્સ કમિટીના ચેરમેન શ્રી કે.બી. પિપલીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સેમિનારનું સંચાલન બાગાયત અધિકારી શ્રી એ.એસ. પટેલે કર્યું હતું. સુરતના મદદનીશ બાગાયત નિયામક શ્રી પંકજ માલવિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમને શ્રી કમલેશ ગજેરા, ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને ખેડૂતો સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. નિષ્ણાંત વકતાશ્રીઓ અને વૈજ્ઞાનિકોએ ખેડૂતોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.