કેન્દ્રિય નાણાં મંત્રીએ વચગાળાના બજેટમાં બે મહત્વના મુદ્દાઓ કેપેકસ ટુ કન્ઝપ્શન અને કન્સોલીડેશન ઇન ફાયનાન્સ રિસોર્સિસ પર ભાર આપ્યો છે : દેવેન ચોકસી

Spread the love

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૦૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એનાલિસિસ ઓફ ઇન્ટરીમ બજેટ ર૦ર૪’વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇની ડીઆર ચોકસી ફિનસર્વ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર તેમજ સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોકસ અને દેશની આર્થિક બાબતોના નિષ્ણાંત તરીકે નેશનલ બિઝનેસ ન્યુઝ ચેનલોમાં એકસપર્ટ વ્યુ આપનારા જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દેવેન ચોકસીએ ઉદ્યોગકારો તેમજ રોકાણકારો સમક્ષ કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ રજૂ કરેલા વચગાળાના બજેટ ર૦ર૪ વિશે વિશ્લેષણ રજૂ કર્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત કરી સેશનમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વર્ષ ર૦ર૪–રપ માટે ફિસ્કલ ડેફીસિટનો ટારગેટ પ.૧ ટકા રાખ્યો છે. એની સામે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને ડેવલપમેન્ટ માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશનના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનો સ્પર્ધાત્મક દેશ છે, પરંતુ ભારતમાં લોજીસ્ટીક કોસ્ટ વધારે છે. એના કારણે ભારતના ઉદ્યોગ – ધંધા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક થતા નથી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યા મુજબ જે દેશની માથાદીઠ વાર્ષિક આવક રર૦૦૦ યુએસ ડોલર હોય તેને વિકસિત દેશ કહેવાય છે. જો કે, હાલમાં ભારતની માથાદીઠ વાર્ષિક આવક ર૮૪૭ યુએસ ડોલર છે, આથી આગામી ર૦ વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા માટે માથાદીઠ વાર્ષિક આવકને ૯ ગણી વધારવી પડશે.

ચેમ્બર પ્રમુખે કહયું હતું કે, દેશનો આર્થિક વિકાસ એ એક્ષ્ટર્નલ ટ્રેડ અને હાઉસ હોલ્ડ કન્ઝમ્પ્શન પર નિર્ભર કરે છે, જેને વધારવાની દિશામાં ભારત સરકાર દ્વારા દેશમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો ટારગેટ આપ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે.

જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દેવેન ચોકસીએ વચગાળાના બજેટનું એનાલિસીસ કરતાં જણાવ્યું હતું કે, વચગાળાનું બજેટ ર૦ર૪ એટલે વિદેશી રોકાણકારોના પૈસા થકી દેશમાં વિકાસ કરવો અને સરકારના નાણાંનો શકય તેટલો ઓછો ઉપયોગ કરી દેશનો વિકાસ સાધવો. દેશના ઉદ્યોગોને એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કરવા માટે તેમજ દેશમાંથી એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી વૈશ્વિક બજારોમાં પ્રોડકટનું ન્યૂનતમ ખર્ચે ઉત્પાદન કરવાના હેતુથી એનર્જી, પોર્ટ કનેક્‌ટીવિટી અને હાઈટ્રાફિક ડેન્સિટી કોરિડોર બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે, આથી પ્રોડકટના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો કરી શકાશે.

બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષમાં રેલ્વે, રોડ, પોર્ટ, એરપોર્ટ સહિતનું લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર વધવાનું છે. જેને કારણે એનર્જી, માઇનીંગ અને સિમેન્ટ તથા તેને સંબંધિત આશરે ૧પ૦ જેટલી નાની – મોટી ઇન્ડસ્ટ્રી પ્રોડકટની જરૂરિયાત ઉભી થશે. હાલમાં ભારતમાં ૧૪થી ૧પ ટકા લોજીસ્ટીક કોસ્ટ છે ત્યારે આ કોસ્ટ પથી ૭ ટકા સુધી આવી જાય તો ભારત વિશ્વની સાથે સ્પર્ધામાં ઉતરી શકશે. ઇન્ફ્રાસ્ટક્રચર ડેવલપમેન્ટને કારણે ઘણા બધા ઉદ્યોગોમાં રૂપિયાનું રોકાણ થાય છે, જે ઇકોનોમીમાં સાત ગણી ઇફેકટ આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે આ બજેટમાં બે મહત્વના મુદ્દાઓ પર ભાર આપ્યો છે. જેમાં કેપેકસ ટુ કન્ઝપ્શન (સોલાર રૂફટોપ પ્રોજેકટ, આવાસ યોજના વગેરે) અને કન્સોલીડેશન ઇન ફાયનાન્સ રિસોર્સિસનો સમાવેશ થાય છે. સરકારના આંકડાઓ મુજબ, રૂફટોપ સોલાર પ્રોજેકટ હેઠળ દર મહિને અંદાજે ૧ કરોડ ઘરને ૩૦૦ યુનિટ સુધી વીજળી નિઃશુલ્ક મળતાં વીજબીલમાં વાર્ષિક રૂપિયા ૧પથી ૧૮ હજારની બચત થશે, જેનો ખર્ચ નાગરિકો અન્ય પ્રોડકટની ખરીદી પર કરશે, જેથી માર્કેટમાં પૈસાનું સકર્યુલેશન શરૂ રહેશે.

દેવેન ચોકસીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારનો AIM (લક્ષ્યાંક) A– એગ્રીકલ્ચર, I– ઈન્ફ્રાસ્ટ્રક્‌ચર, M– મોનિટરી એન્ડ ફિસ્કલ પોલિસી છે. તેમણે કહયું હતું કે, કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિરનું પુનઃનિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, જગન્નાથ પુરી જેવા આધ્યાત્મિક સ્થળોના વિકાસને આધાર બનાવીને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવાની સાથે જ રોજગાર નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરી રહી છે.

નાણાં મંત્રીના કહેવા અનુસાર સ્પીરિચ્યુઅલ ટુરીઝમ ઇકોનોમી દેશની ૧પથી ર૦ ટકા વસ્તીને રોજગારી આપી રહી છે. કોરોના પછી દેશની પ્રવાસન ઈન્ડસ્ટ્રી બદલાઈ છે, હાલમાં ૬૦ ટકા લોકો આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રો તરફ વળ્યા છે. આગામી પાંચ વર્ષમાં આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્ર ર૦થી ૩૦ ટકાના વાર્ષિક દરે વિકસશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા સુરતના ઉદ્યોગકારો અને રોકાણકારો આ સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના કો – ચેરમેન અનિલ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે અન્ય કો – ચેરમેન એડવોકેટ દિપેશ શાકવાલાએ જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દેવેન ચોકસીનો પરિચય આપ્યો હતો. સેશનમાં ઉપસ્થિત ઉદ્યોગકારો અને રોકાણકારોના વિવિધ સવાલોના દેેવેન ચોકસીએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>