સુરત હીરા બુર્સની કમિટીએ સર્વાનુમતે કિરણ જેમ્સને મુંબઇથી કારોબાર જારી રાખવા પણ સૂચન કર્યું
સુરત હીરા બુર્સની મિડીયા કમિટીના કન્વીનર દિનેશભાઇ નાવડીયાએ એક મહત્વની વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે સુરત હીરા બુર્સના ઉદઘાટન બાદ હવે 80 ટકા મેમ્બરોએ આગામી મે 2024 સુધીમાં હીરા બુર્સમાં પોતાની ઓફિસો શરૂ કરવા માટેની સંમતિ આપી દીધી છે. એ પ્રમાણે ફર્નિચરના કામો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે.
મિડીયા કમિટીના કન્વીનર દિનેશભાઇ નાવડીયાએ વધુ જણાવે છે કે સુરત હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપનીએ કમિટમેન્ટ આપ્યું હતું કે તેઓ સૌથી પહેલા મુંબઇનો કારોબાર સમેટી લઇને સુરત હીરા બુર્સમાં સંપૂર્ણ પણે શીફ્ટ થશે અને તેમના કમિટમેન્ટ મુજબ કિરણ જેમ્સે મુંબઇનો કારોબાર સમેટીને સુરત શીફ્ટ થયા છે.
આમ છતાં સુરત હીરા બુર્સની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની સહી સાથે વલ્લભભાઇ પટેલને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે સ્વાભાવિક છે કે સુરત હીરા બુર્સમાં વિધિવત રીતે મોટા ભાગની ઓફિસો શરૂ થાય અને કારોબાર ધમધમે તેમાં હજુ થોડો સમય નીકળી જાય તેમ છે. આવી સ્થિતિમાં કિરણ જેમ્સને કારોબાર કરવામાં તકલીફ ન પડે તે માટે તમામ મેનેજિંગ કમિટીના સભ્યોએ કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલને સૂચન કર્યું છે કે તેમણે કિરણ જેમ્સનો કારોબાર મુંબઇથી પણ જારી રાખવો જોઇએ.