ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને નવા રોકાણ પર ૩૦ ટકાથી લઇને પ૭ ટકા સુધીની સબસિડી પાંચ વર્ષમાં મળવાની છે : ટેક્ષ્ટાઇલ નિષ્ણાંતો

Spread the love

ચેમ્બર દ્વારા ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી અંગે ઉદ્યોગકારો અને વેપારીઓને સમજ આપવાના હેતુથી અવેરનેસ સેશન યોજાયું

શહેરી હદ વિસ્તારમાં ટેક્ષ્ટાઇલ એકમોને પોલિસીનો લાભ આપવામાં આવ્યો નથી ત્યારે આ સંદર્ભે ચેમ્બર તથા અન્ય એસોસીએશનો દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. રપ ઓકટોબર ર૦ર૪ના રોજ સાંજે ૦પઃ૩૦ કલાકે, સેમિનાર હોલ–એ, સરસાણા, સુરત ખાતે ‘ગુજરાતની નવી ટેક્ષ્ટાઈલ પોલિસી ર૦ર૪’ વિષય પર અવેરનેસ સેશન યોજાયું હતું. જેમાં જાણીતા ઉદ્યોગકાર એવા પ્રતિભા ગૃપના ચેરમેન શ્રી પ્રમોદ ચૌધરી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરના ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી આશીષ ગુજરાતી, ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાસ હકીમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રાજીવ કપાસિયાવાલાએ ટેક્ષ્ટાઇલ પોલિસીની સમીક્ષા કરી ઉદ્યોગકારોને મળનારી સબસિડી તથા તેનાથી ઇન્ડસ્ટ્રીને થનારા લાભો વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૧પ ઓકટોબરના રોજ ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા વખતથી રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને આ પોલિસી માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહ્યા હતા. ખાસ કરીને ટેક્ષ્ટાઇલની ટફ સબસિડી બંધ હોવાને કારણે ચેમ્બરની માંગ હતી કે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં અપફ્રન્ટ કેપિટલ સબસિડી આપવામાં આવે. ચેમ્બરની માંગણી મુજબ અપફ્રન્ટ કેપિટલ સબસીડી ૧૦ ટકાથી ૩પ ટકા સુધીની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ઇન્ટરેસ્ટ સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી.

શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના આખી વેલ્યુ ચેઇનમાં સૌથી મહત્વનો રોલ પ્રોસેસિંગનો છે. આ એકમો ઇન્ટરનેશનલ કક્ષાનું યાર્ન બનાવે છે અને કપડું પણ બનાવી શકીએ છીએ. સુરતમાં ગારમેન્ટીંગની પરિસ્થિતિ સારી થઇ રહી છે, જેને વધુ મજબુત બનાવવાની દિશામાં પ્રયાસ કરવો પડશે. ભારતમાં ટેક્ષ્ટાઇલ કલસ્ટોરોમાં જેવી રીતે કોટનનો વિકાસ થયો છે તેવો વિકાસ એમએમએફનો સુરતની ઇન્ડસ્ટ્રીએ કરવો જોઇએ. હાલમાં લોકલ કન્ઝમ્પ્શન મજબુત હોવાથી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે પણ ફોરેન એક્ષ્ચેન્જ માટે એક્ષ્પોર્ટ વધારવું પડશે.

તેમણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને કવોલિટી પ્રોડકશન, કન્સીસ્ટન્સી, લેટેસ્ટ ટેકનોલોજી, ટેકનિકલ ટીમ અને એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. ટેક્ષ્ટાઇલમાં સ્પોર્ટસ વેર મોટી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ રહી છે ત્યારે એના માટે કપડું બનાવવાની જરૂર છે. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં ફેબ્રિક બનાવવા ઘણી તકો છે. વધુમાં તેમણે કહયું હતું કે, ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીને કારણે સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ઘણો લાભ થવાનો છે પણ શહેરી વિસ્તારમાં આવતા ટેક્ષ્ટાઇલ એકમોનો પણ આ પોલિસીમાં સમાવેશ કરવો જોઇએ અને એના માટે ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય એસોસીએશનોએ સાથે મળીને રજૂઆતો કરવી જોઇએ.

શ્રી આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, પોલિસીમાં સૌથી વધુ ઇન્સેન્ટીવ કેટેગરી–૦૧માં આવતાં ઉદ્યોગકારોને મળે છે, તેમાં રૂપિયા ૧૦ કરોડના રોકાણ સામે રૂપિયા ૬.૧૯ કરોડ સબસીડી મળવાપાત્ર છે. કેટેગરી–૦૧માં ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતા રોકાણની સામે પ૭.૬૬% રિટર્ન (સબસિટી પેટે) મળશે. નિટીંગ, ડાઈંગ એન્ડ પ્રોસેસિંગ, એમ્બ્રોઈડરી, એમએમએફ સ્પિનીંગ, ફાઈબર, કોટન પ્રિન્ટીંગ વગૈરે યુનિટ્‌સમાં રૂપિયા ૦પ કરોડના રોકાણ સામે રૂ. ૧.૮૧ કરોડની સબસીડી મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ઉદ્યોગકારોને ૩૦ ટકાથી લઇને પ૭ ટકા સુધી સબસીડી મળશે. ગુજરાત સરકાર આ તમામ રિટર્ન પાંચ વર્ષના સમયગાળામાં રોકાણકારોને આપશે, જ્યારે અન્ય રાજ્યોમાં દસ વર્ષમાં ઉદ્યોગકારોને મળે છે, જેથી સુરતના ઉદ્યોગકારોએ અન્ય રાજ્યોમાં જવાની જરૂર રહેતી નથી. આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકારનું ટેક્ષ્ટાઈલમાં ૩૦ હજાર કરોડના રોકાણનો લક્ષ્યાંક છે, પરંતુ સુરતે આ લક્ષ્યાંકને આગામી ૩ વર્ષમાં જ હાંસલ કરી લેવો જોઈએ. આ પોલિસીથી ગારમેન્ટ, ટેકનિકલ ટેક્ષ્ટાઈલને અને યુવા ઉદ્યોગ સાહસિકોને સૌથી વધુ લાભ થશે.

શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં નવી ઇમારત, પ્લાન્ટ એન્ડ મશીનરી, યુટીલિટીઝ, ડાઇઝ, ફાઉન્ડેશન સહિત ફેકટરી ઇન્સ્ટોલેશનનો સબસિડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દસ વર્ષ ચાલી શકે તેવી ઇમ્પોર્ટ કરાયેલી ટેક્ષ્ટાઇલ મશીનરી પર સબસિડી મળશે. કેપિટલ સબસિડી અને વ્યાજ સબસિડી મળશે. નાના ઉદ્યોગોથી લઇને મધ્યમ તથા મોટા ઉદ્યોગોને પણ આ પોલિસીનો લાભ મળશે.

શ્રી કૈલાસ હકીમે જણાવ્યું હતું કે, સુરતમાં યાર્નથી લઇને ગારમેન્ટીંગ સુધીની ટેક્ષ્ટાઇલની આખી વેલ્યુ ચેઇન છે પણ સુરતમાં કમ્પોઝીટ યુનિટ નથી ત્યારે ઉદ્યોગકારોએ કમ્પોઝીટ યુનિટ નાંખવા માટે પ્રયાસ કરવો પડશે. ટ્રેડર્સને પણ ડેવલપ થવાની જરૂર છે અને તેઓએ ફેશન ઇન્ડસ્ટ્રીની પણ જાણકારી મેળવવી જોઇએ. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પ્રોસેસર્સને મજબુત કરવા પડશે. ઉદ્યોગકારોએ લેટેસ્ટ ટેકનોલોજી, એક્ષ્પોર્ટ માટે કપડું અને ગારમેન્ટ અંગે જાણકારી મેળવવાની જરૂર છે. આ પોલિસીમાં વેપારીઓને પણ મજબુત કરવા જોઇએ. પોલિસીમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો ઉપયોગ સુવિધાની જેમ કરવો જોઇએ પણ સબસિડીના ભરોસે ઉદ્યોગકારો અને વેપારીઓએ કયારેય વેપાર કરવો જોઇએ નહીં.

સીએ રાજીવ કપાસિયાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં પ૦% એમએમએફનું ઉત્પાદન ગુજરાત કરે છે, જેમાં સુરતનો હિસ્સો ૮પથી ૯૦% છે. ગત ૧પથી ર૦ વર્ષમાં ક્લેઈમ માટે ૮પથી ૯૦% ફાઈલો માત્ર સુરતની હોય છે. ગુજરાતની નવી ટેક્ષ્ટાઈલ પોલિસીમાં રોકાણમાં વૃદ્ધિ, ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન, ગારમેન્ટ, ટેકનિકલ ટેક્ષ્ટાઈલ, એમએસએમઈ, પીએમ મિત્રા પાર્ક, મહિલાઓના રોજગારમાં વૃદ્ધિ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ૦૧લી ઓકટોબર ર૦ર૪થી ૩૦મી સપ્ટેબર ર૦ર૯ સુધી નવી ટેક્ષ્ટાઈલ પોલિસી અમલમાં રહેશે. જૂની પોલિસી જે તા. ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થઇ હતી તેને તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી એક્ષ્ટેન્ડ કરવામાં આવી હતી, જે ગત જૂની પોલિસીમાં કવર્ડ હતા, તેમના માટે કોઈ પણ બ્લેક આઉટ પીરિયડ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોએ જે કંઈ પણ રોકાણ કર્યું હોય તેમને જૂની અથવા નવી પોલિસીમાં લાભ મળશે એ વાત નિશ્ચિત છે. એમએસએમઈ, નાના અને મોટા ઉદ્યોગ તમામને પોલિસીનો લાભ મળશે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને વીજળીના વપરાશ પર એક રૂપિયો પાવર સબસિડી મળશે. જો કે, શહેરી વિસ્તારમાં આવતા એકમોને પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે એ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વહેલી તકે ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુક્લએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>