સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.
શનિવાર, તા. ર૦ એપ્રિલના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે સીટમે એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા પધાર્યા હતા અને તેમના વરદ્ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં લુથરા ગૃપ એલએલપીના ચેરમેન અને CMSMEના પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ લુથરા મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. જ્યારે ગોકુલ ટેક્ષ પ્રિન્ટના શ્રી સુભાષ ધવને અતિથિ વિશેષ તરીકે સમારોહની શોભા વધારી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાની પરિકલ્પના રજૂ કરી છે ત્યારે વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે. એવા સમયે સુરત પણ વિકસિત સુરત બને તે માટે એક ઉદાહરણ પૂરું પાડવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિઝન હાથ ધરી આવા ઔદ્યોગિક પ્રદર્શનો ઉપરાંત સેમિનારો અને કોન્કલેવ સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહયા છે.
સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગનું હબ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં જ પ્રોડકશન થાય અને અહીંથી આખા વિશ્વમાં એક્ષ્પોર્ટ કરી શકાય તે માટે વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા પ્રયાસ થઇ રહયો છે. કસબ અને જરી એ સુરતની જૂની ઓળખ છે ત્યારે આખા વિશ્વમાં તૈયાર કાપડ ઉપર વેલ્યુ એડિશનની પ્રવૃત્તિ માત્ર સુરતમાં થાય છે. સુરતમાં આશરે અઢી લાખ એમ્બ્રોઇડરી મશીનરી છે, જેના થકી બે લાખ લોકોને રોજગારી મળે છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ટેક્ષ્ટાઇલમાં સુરત બ્રાન્ડ બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કન્વેન્શન પ્રિન્ટિંગ ઓછું થશે અને ડિજિટલ પ્રિન્ટિંગ વધશે, જેમાં પાણીનો વપરાશ ઘટે છે અને તેનાથી પર્યાવરણનું સંવર્ધન થાય છે. સુરત, ગુજરાત અને ભારતથી એક્ષ્પોર્ટને વધારવા માટે ફાસ્ટ ડિલિવરી, બેસ્ટ કવોલિટી અને કમિટમેન્ટ સાથે કામ કરવાની આપણી જવાબદારી છે. વર્ષ ર૦ર૭ સુધીમાં એક ટ્રિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવા માટે બધા ઉદ્યોગકારોએ ધ્યાન રાખવું પડશે. અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરી થકી જ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઉભી કરશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.
ચેમ્બર પ્રમુખે મિશન ૮૪ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કનહહય ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત, ગુજરાત અને ભારતથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો એક્ષ્પોર્ટ કરવાનો સંકલ્પ લેવાયો છે અને તેને પૂર્ણ કરવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહયા છે. મિશન ૮૪ અંતર્ગત બનાવવામાં આવેલા ઇન્ટરનેશનલ ઓનલાઇન પ્લેટફોર્મની સાથે દેશના ૮૪૦૦૦ ઉદ્યોગ સાહસિકો તેમજ વિદેશના ૮૪૦૦૦ બિઝનેસમેનોને જોડવા પ્રયાસ થઇ રહયા છે. મિશન ૮૪ અંતર્ગત વિદેશની ધરતી પર ભારતીય દૂતાવાસાના અધિકારીઓ સાથે વાત થઇ છે અને તેઓએ ભારતથી એક્ષ્પોર્ટને વધારવા માટે મિશન ૮૪ને સંપૂર્ણ સહકાર આપવા તૈયારી બતાવી છે.
ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગમાં ટેકનોલોજી ઇનોવેશનમાં કઈ રીતે આગળ વધી શકીશું તે દિશામાં વિચારવું પડશે. તેમણે કહ્યું હતું કે, ભારત ર૦,૦૦૦ કરોડની મશીનરી મેન્યુફેકચરીંગની કેપેસિટી ધરાવે છે, જેમાંથી દર વર્ષે ૧૭,૦૦૦ કરોડની ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગ થાય છે અને તેમાંથી ૬૦૦૦ કરોડની ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પોર્ટ થાય છે. ભારતથી વધુ એક્ષ્પોર્ટ માટે અન્ય ક્ષેત્રોમાં પણ સક્ષમતા ઉભી કરવી પડશે. ભારત કેટલીક ટેક્ષ્ટાઇલ મશીનરીની આયાત કરે છે ત્યારે ભારતના ઉદ્યોગકારોએ પોતાના માટે પણ ટેક્ષ્ટાઇલ મશીનરીનું મેન્યુફેકચરિંગ કરવું પડશે અને વિશ્વના જુદા જુદા દેશોમાં તેને એક્ષ્પોર્ટ પણ કરવી પડશે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ પોતાના માટે ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગ કરીને વિશ્વને પણ આપવી પડશે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જે રીતે ભારત મેડીકલ ઇકવીપમેન્ટમાં ક્રાંતિ લાવ્યું હતું અને સસ્તા ભાવે આખા વિશ્વને તે પૂરી પાડી હતી. તેવી રીતે ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગમાં પણ ઉદ્યોગકારોએ એક સાથે એકત્રિત થવું પડશે અને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગ કરવી પડશે. એમ્બ્રોઇડરી મશીનરીના જુદા જુદા પ૦ જેટલા પાટર્સ પણ બધા ઉદ્યોગકારોએ એકત્રિત થઈને ભારતમાં જ બનાવવા પડશે અને પોતે સસ્ટેઇન થવું પડશે. ભારત સરકાર પણ ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગમાં હજી આગળ વધવા પ્રયાસ કરી રહી છે અને એના માટે ભારત સરકારે ૭૮ જેટલા ક્રિટિકલ કમ્પોનન્ટ આઇડેન્ટીફાય કર્યા છે, જે મશીન મેઇન્ટેનન્સ માટે પણ કામ લાગે છે. ભારતમાં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગ વધશે ત્યારે વિશ્વની જરૂરિયાત પૂરી કરી શકીશું.
તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ પ્રિન્ટિંગને સસ્ટેનેબલ મોડેલ સાથે જોડવી પડશે. લેબ્ર ગ્રોન ડાયમંડ મશીનરી ભારતમાં બની રહી છે એવી જ રીતે એમ્બ્રોઇડરી મશીનરીના પાટર્સ પણ બની શકે છે. એના માટે બધા ઉદ્યોગકારોએ એકત્રિત થવું પડશે અને એકસાથે મળીને આ પાર્ટ્સ બનાવવા પડશે. એમ્બ્રોઇડરી મશીનરી ભારતમાં બનશે તો જ કોસ્ટ ઓછી થઈ શકશે.
ટેકનોલોજી ઇનોવેશન ફંડ વિશે તેમણે ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, ઇનોવેટર તરીકે પ્રોજેકટ બનાવો. ઉદ્યોગકારોએ કોન્સેપ્ટ લઇને આવવું પડશે. આ બેંકબલ પ્રોજેકટમાં પ ટકાના ઇન્ટરેસ્ટ રેટ પર રૂપિયા પાંચ કરોડનું ફંડ સરકાર તરફથી મળી જશે. સરકાર પાસેથી ટેકનોલોજી ઇનોવેશન ફંડ મેળવી સુરતના ઉદ્યોગકારોને તેમણે ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગની શરૂઆત કરવા માટે અપીલ કરી હતી. તેમણે ત્યાં સુધી ઉદ્યોગકારોને કહયું હતું કે પ્રોજેકટ માટે ફ્રેમવર્ક તૈયાર કરો જરૂર પડે તો એમાં ઉદ્યોગકારોને મદદરૂપ થવા હું પોતે સામેલ થઇશ.
લુથરા ગૃપના ચેરમેન ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, ‘આપણે વેપારમાં કે જીવનમાં શું કરવું જોઈએ? એના કરતાં બધુ આપણે આ જ કરવાનું છે તેની યાદી તૈયાર કરવી પડશે. તેમણે ઉદ્યોગકારોને એમ્બ્રોઈડરીની મશીનરી આયાત કરવા કરતા તેનું સુરતમાં જ મેન્યુફેકચરિંગ કરવાની દિશામાં વિચારવાની વાત કરી હતી. સરકારની સબસિડીની આશા રાખ્યા વગર પોતે ઈનોવેશન કરી શકાય તેમ જણાવ્યું હતું. દેશભરના લઘુ ઉદ્યોગકારોમાંથી ૧૦ ટકા ઉદ્યોગકારોમાં રિસ્ક લેવાની ક્ષમતા હોય છે. જ્યારે અન્ય ૯૦ ટકા ઉદ્યોગકારો કોપી કરીને ઉદ્યોગને સફળ બનાવવા ઈચ્છે છે.’
ગોકુલ ટેક્ષ પ્રિન્ટના ચેરમેન સુભાષ ધવને જણાવ્યું હતું કે, ‘પહેલા શહેરમાં માત્ર નાયલોનની ચાર કવોલિટી અને વિસકોસ બનતું હતું. આ ચાર કવોલિટીને જ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ પોલિએસ્ટર, પોલિએસ્ટરની સાથે વિસકોસ, એમ્બ્રોઇડરી અને ત્યારબાદ ડિજીટલ પ્રિન્ટીંગ શહેરમાં આવ્યું હતું. એક સમયે ૭,૦૦૦ રૂપિયા કિલો ડિજીટલ ઈન્ક બજારમાં મળતી હતી અને તે પણ માત્ર શુદ્ધ સિલ્કના કાપડ પર જ થતું હતું. હાલમાં ૩પ,૦૦૦ મીટર પ્રતિદિન ડિજિટલ પ્રિન્ટીંગ એક કંપની કરે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સુરતીઓમાં કામ કરવા માટેનું જે પોટેન્શિયલ છે, તે અવિશ્વસનીય છે. જરૂર છે તે માત્ર તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની. સુરત, ભારતમાં તો ટેક્ષ્ટાઈલ હબ બની ગયું છે અને તેને હવે વિશ્વ પર નજર કરવાની જરૂર છે. સુરતને જો ત્રણ બાબતે સરકારની મદદ મળી જાય તો સુરત ત્રણ ગણું વધુ એક્ષ્પોર્ટ કરી શકે તેમ છે. એના માટે સ્કિલ્ડ કારીગરો, એક્ષ્પોર્ટ માટે સરકાર તરફથી મોરલ સપોર્ટ અને સુરતને ફેશન ડિઝાઈનર હબ બનાવવાની જરૂર છે. સુરતના ઉદ્યોગકારો ૪૪૦ આરપીએમમાં ર૦ નંબરનું વિસકોસ બનાવે છે, જે વિશ્વના અન્ય દેશોના બિઝનેસમેનો માટે આશ્ચર્યજનક બાબત છે.’
સુરત એમ્બ્રોઈડરી એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સંજય ઝાએ જણાવ્યું હતું કે, ‘સુરતના વેપારીઓ ભલે એકબીજાના પ્રતિસ્પર્ધી હોય પણ કોઈ કાર્ય કરવું હોય તો તમામ વેપારીઓ ભેગા મળીને કાર્ય કરે છે, સીટમે–ર૦ર૪માં એમ્બ્રોઈડરીના મશીનોમાં આવેલી નવી ક્રાંતિ જોવા મળે છે. સુરતમાં ૧૦૦૦–૧ર૦૦ આરપીએમથી વધીને હવે ૧પ૦૦–૧૮૦૦ આરપીએમ સુધીની એમ્બ્રોઇડરી મશીનરી આવી ગઇ છે. એમ્બ્રોઇડરી મશીનરીમાં ૧થી ૩ કોડીંગ્સ અને ૧ બીડથી ૪ બીડ્સ પર પહોંચી ગયા છે. તેમણે એમ્બ્રોઈડરી સેકટરને પણ સરકારની સબસિડીનો લાભ આપવા માટેની માંગણી કરી હતી.’
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ સીટમે એક્ષ્પો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૦૦ જેટલી વિવિધ એમ્બ્રોઇડરી મશીનરી પ્રદર્શન માટે મુકાઇ છે. આ પ્રદર્શનની મુલાકાત માટે દેશભરમાંથી ર૦ હજારથી વધુ બાયર્સ તેમજ વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાંથી ૧૦૦૦થી વધુ બાયર્સ સુરત બહારના નોંધાયેલા છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ મનોહર ટેકચંદાની, ઉપ પ્રમુખ રાજેશ ગુપ્તા, ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ તથા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખશ્રીઓ અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.