ચેમ્બર ઓફ કોમર્સ અને ધ ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીની વચ્ચે SMEs અને MSMEને પ્રોત્સાહન આપવાના હેતુથી સમજૂતી કરાર થયા
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ધ ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીની (AIAI) વચ્ચે સ્મોલ (SMEs) અને મીડિયમ ઈન્ડસ્ટ્રી (MSME)ને પ્રોત્સાહન આપવાના હેતુથી તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા તથા મુંબઈ સ્થિત ઉઝબેકિસ્તાનના કોન્સુલેટ અને AIAI ના પ્રમુખ શ્રી વિજય કલાંત્રીએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રી મહત્વનું યોગદાન આપવાની સાથે જ રોજગારીની તકો પણ પૂરી પાડે છે. ભારતમાં સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીએ ૪૮૦ મિલિયન લોકોને રોજગાર આપ્યો છે. તેવી સ્થિતિમાં તેમને પ્રોત્સાહન મળે અને પડકારોનો સામનો કરવા તેઓ સક્ષમ બને તે માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઈન્ડસ્ટ્રીને આગળ ધપાવવા સૌએ સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે.
શ્રી વિજય કલાંત્રીએ AIAI વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ (AIAI) ૫૦,૦૦૦ થી વધુ ઉદ્યોગોને ટેકો આપે છે, જેમાં ૭૦% સભ્યો SME છે. AIAI નું મિશન ઉદ્યોગ દ્વારા સમૃદ્ધિના સેતુઓનું નિર્માણ કરવાનું છે, SME ને વૈશ્વિકીકરણ, વિલીનીકરણ અને ટેકઓવરના પડકારોને નેવિગેટ કરવામાં મદદ કરવાનું છે.
આ દરમિયાન તેમણે સમાનતાના આધારે રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સાહસો અને સહયોગ અને પરસ્પર લાભ અને તમામ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને દરેક એક્ઝિબિશન અને ઇવેન્ટ્સને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું.
આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લ અને ગ્રૃપ ચેરમેન ડો. અનિલ સરાવગી ઉપસ્થિત રહ્યા હતા.