સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ જળ સંરક્ષણની અમલવારી સુનિશ્ચિત કરવા સારું દર વર્ષે જળ શક્તિ મંત્રાલય, ભારત સરકારશ્રી તરફથી વિવિધ કેટેગરીઓમાં નોમીનેશન્સ મંગાવવામાં આવે છે તથા સઘન રીતે મુલ્યાંકન કર્યા બાદ ટ્રોફી, સર્ટીફીકેટ તેમજ રોકડ પુરસ્કારથી વિજેતાઓને બિરદાવવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા તરફથી “બેસ્ટ અર્બન લોકલ બોડી” કેટેગરીમાં શહેર વિસ્તારમાં અમલમાં મુકવામાં આવેલ વિવિધ પાસાઓ જેવા કે ગટરના પાણીનો ટર્શરી ટ્રીટ્મેન્ટ પ્લાન્ટ મારફત રીસાયકલ અને તેનો ઓદ્યોગિક એકમોમા પુન: ઉપયોગ તેમજ તેના પરિણામે ૧૧૫ એમ.એલ.ડી. જેટલા પીવાના પાણીની બચત, શહેર વિસ્તારમાં ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સીસ્ટમ પ્રસ્થાપિત કરવાની કામગીરી તેમજ લોકોને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સીસ્ટમ પ્રસ્થાપિત કરવા લોકોને પ્રોત્સાહિત કરવા, વિકસિત વ્યાપક ગટર વ્યવસ્થા તેમજ શહેર વિસ્તારમાં કરવામાં આવેલ વ્યાપક ટ્રી પ્લાન્ટેશન વિગેરેનો સમાવેશ કરી સંકલિત નોમીનેશન જમા કરાવવામાં આવેલ. આ તમામ પાસાઓની ખરાઈ કર્યા તથા જરૂરી મુલ્યાંકન કરી જળ શક્તિ મંત્રાલય, ભારત સરકારશ્રી દ્વારા સુરત મહાનગરપાલિકાને “બેસ્ટ અર્બન લોકલ બોડી” કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા તરીકે જાહેર કરેલ છે. એવોર્ડ સમાંરભ તા.૨૨-૧૦-૨૦૨૪ નાં રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્લી ખાતે આયોજન કરવામાં આવેલ. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી – દ્રોપદી મુર્મુનાં વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાને પ્રશસ્તિપત્ર, ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
જે મા. મેયર – શ્રી દક્ષેશ માવાણી, મા.કમિશ્નર – શ્રીમતી શાલીની અગ્રવાલ IAS, મા. સ્થાયી સમિતિ અધ્યક્ષ – શ્રી રાજન પટેલ દ્વારા સ્વીકારવામાં આવેલ. આ પ્રસંગે માનનીય કેબીનેટ મંત્રી – શ્રી સી. આર.પાટીલ – જળ શક્તિ મંત્રાલય, માનનીય રાજ્ય મંત્રી – શ્રી વી. સોમન્ના, માન. રાજ્ય મંત્રી – શ્રી રાજભુશણ ચૌધરી, જલ શક્તિ મંત્રાલય તથા સેક્રેટરી શ્રીમતી દેબાશ્રી મુખર્જી ઉપસ્થિત રહેલ હતા તથા સુરત મહાનગરપાલિકા તરફથી પાણી સમિતિ અધ્યક્ષશ્રી હેમાંશુ રાઉલજી પણ ઉપસ્થિત રહેલ હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પાંચમા નેશનલ વોટર એવોર્ડસ માટે એવોર્ડ વિજેતા થયેલ હોય તેવી મહાનગરપાલિકામાં એક માત્ર સુરત મહાનગરપાલિકા છે. સુરત મહાનગરપાલીકાએ વેસ્ટ મેનેજમેન્ટને સ્વ-ટકાઉ બનાવીને ઉદહરણ પુરુ પાડ્યુ છે. ગટરના પાણીના ટર્શરી ટ્રીટમેન્ટ મારફત રીસાયકલ અને તેનો ઓદ્યોગિક એકમોમાં ઉપયોગ માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવતી દેશની પ્રથમ મહાનગરપાલિકા છે. વધુમાં, શહેરીવિસ્તારમાં જળ સંરક્ષણ ક્ષેત્રે અમલમાં મુકવામાં આવેલ વિવિધ પ્રકલ્પો તેમજ વિશિષ્ટ ઉપાયો ઉદાહરણ સમાન હોય, ભારતના અન્ય શહેરોને પણ અનુકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા પ્રેરણાદાયી બની રહેલ છે.