સુરતઃગુરૂવારઃ- સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન – અર્બન ઇનિશિએટીવ અંતર્ગત આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતને સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રથમ ક્રમે સુરત અને ઇન્દોર સંયુક્ત વિજેતા બન્યા છે. મેયર અને મ્યુ.કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ સુરતવાસીઓ, મનપા કર્મચારીઓ-અધિકારીઓ, સ્વચ્છતાકર્મીઓમાં આ વિરલ સિદ્ધિથી આનંદની લાગણી છવાઈ છે.
ઓલ ઇન્ડિયા ક્લીન સિટીઝમાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા મેયરશ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા “સ્વચ્છ ભારત” ના મંત્રને સાકાર કરવા હર હંમેશ તત્પર રહેતા સુરત મહાનગરપાલિકાના સૌ કર્મચારીઓ, દિવસ રાત ખડે પગે ઉભા રહી સુરતને સ્વચ્છ રાખનાર સફાઈકર્મી ભાઈઓ-બહેનો અને સ્વચ્છતાને પોતાની નૈતિક જવાબદારી સમજનાર સૌ સુરતીઓનો શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન છે, સુરતને દેશને સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં આ સૌનો સહિયારો પુરૂષાર્થ છે.
શ્રી માવાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ પણ મન કી બાતમાં સુરતની સ્વચ્છતાની સરાહના કરી હતી. સુરત વર્ષોથી સ્વચ્છ શહેરોની હરોળમાં સ્થાન મેળવતું રહ્યું છે, ત્યારે આ વર્ષે સુરત અને ઇન્દોરની સંયુક્ત પસંદગી થતા હવે સ્વચ્છતાના શિખરે બિરાજ્યું છે એમ જણાવી તેમણે અગામી દિવસોમાં શહેરીજનોના સાથસહકાર અને સફાઈકર્મીઓના પરિશ્રમ થકી સુરતની સ્વચ્છતા અને પ્રથમ ક્રમને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે પણ આ ઐતિહાસિક સિદ્ધિમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સ્વચ્છતાકર્મીઓ, બદલ સુરતવાસીઓ, અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ
. . . . . . . . . . . . . . . .
ભારતીય સ્વચ્છતા સર્વેક્ષણ એ વિશ્વનું સૌથી મોટો શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ છે. શહેરોમાં સ્વચ્છતા જાળવવા માટે તેની શરૂઆત ૨૦૧૬ માં કરવામાં આવી હતી. સ્વચ્છતા સર્વેક્ષણની ૮ મી સિઝન હેઠળ ૨૦૨૩માં ૪૫૦૦ થી વધુ શહેરો યાદીમાં સમાવિષ્ટ હતા. આ વખતે સર્વેની થીમ ‘વેસ્ટ ટુ વેલ્થ’ હતી. શહેરોમાં ગત તા.૧ જુલાઈથી ૩ હજાર કર્મચારીઓને સ્વચ્છતાના મૂલ્યાંકનનું કામ સોંપવામાં આવ્યું હતું. શહેરોનું મૂલ્યાંકન ૪૬ પેરામીટર પર કરવામાં આવ્યું હતું. લગભગ ૧૦ કરોડ નાગરિકો પાસેથી ફીડબેક લેવાનો લક્ષ્યાંક હતો.
-૦૦૦-