પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી હાલ પૂરતું બાકાત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માનવામાં આવ્યો

સુરત. ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોલિએસ્ટર યાર્ન સંબંધિત પાંચ પ્રોડકટ પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર જારી કર્યો હતો. જેનો અમલ ગત તા. ૩ જુલાઇ ર૦ર૩ થી થનાર હતો, આથી ચેમ્બર ઓફ કોમર્સ, ફિઆસ્વી, ફોગવા અને સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેક્ષ્ચ્યુરાઇઝર વેલ્ફેર એસોસીએશન તથા અન્ય ઔદ્યોગિક સંગઠનો દ્વારા કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયાને કરવામાં આવેલી રજૂઆતને પગલે પોલિએસ્ટર યાર્ન સંબંધિત ત્રણ પ્રોડકટ પરના અમલને મુલત્વી રાખી તેનો અમલ હવે આગામી તા. પ ઓકટોબર ર૦ર૩ થી થશે તેવું નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નનું ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેને કારણે ઘણા વિવર્સોએ આ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી બાકાત રાખવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી વિનંતિ કરી હતી. જેને પગલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી બાકાત કરવાની રજૂઆત તા. ૮ જૂન ર૦ર૩ના રોજ ભારતના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયાને કરાઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને માન્ય રાખી ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગે તા. ૧૭ જુલાઇ ર૦ર૩ ના રોજ ઓર્ડર નં. S.O. 3196(E) થકી પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી હાલ પૂરતું બાકાત રાખવાની જાહેરાત કરી છે. જો કે, પ૦૦ ડેનિયરથી વધુ સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો અમલ ગત તા. ૩ જુલાઇ ર૦ર૩થી લાગુ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો અમલ કરાયો હોત તો ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ સેકટરના નાના નાના એકમો બંધ થવાનો વારો આવ્યો હોત. આ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી હાલ પૂરતું બાકાત રાખવાના નિર્ણય માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માનવામાં આવે છે.