દેશના ટેક્ષ રેવન્યુમાંથી ડાયરેક્ટ ટેક્ષનું યોગદાન ૩૪.૦૨ ટકા જેટલું થાય છે. જ્યારે ઈન ડાયરેક્ટ ટેક્ષનું યોગદાન ૬૫.૮ ટકા જેટલું થાય છેઃ ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા

Spread the love

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરતની ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા શાખા (ICAI) તેમજ ધી સધર્ન ગુજરાત ઈનકમ ટેક્સ બાર એસોસિએશનના (SGITBA) સંયુક્ત ઉપક્રમે તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે ‘Exemption Programme of the Income Tax Act, 1961 & Grievance Redressal’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં અમદાવાદના રેન્જ-૨ એક્ઝમ્પ્શનના જોઈન્ટ કમિશનર IRS શ્રી યોગીશ મિશ્રા અને સુરત (એક્ઝાપ્શન) વોર્ડના ઈનકમ ટેક્સ ઓફિસર શ્રી મનોજ કુમાર મીનાએ ઈનકમ ટેક્સ એક્ટ ૧૯૬૧ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ઈન્કમ ટેક્ષનું પ્રોવિઝન ૨૪ જુલાઈ ૧૮૬૦ થી લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતની આઝાદી પછી ૦૧ એપ્રિલ ૧૯૬૨ થી ઈન્કમ ટેક્ષ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. હાલ દેશના ટેક્ષ રેવન્યુમાંથી ડાયરેક્ટ ટેક્ષનું યોગદાન ૩૪.૦૨ ટકા જેટલું થાય છે. જ્યારે ઈન ડાયરેક્ટ ટેક્ષનું યોગદાન ૬૫.૮ ટકા જેટલું થાય છે. ઈન્કમ ટેક્ષનો હિસ્સો ભારતના કુલ જીડીપીમાં સાડા ત્રણ ટકાનો છે. કોર્પોરેટ ટેક્ષ અને પર્સનલ ઈન્કમ ટેક્ષમાં આ યોગદાન સૌથી વધુ કહી શકાય તેમ ૭૫ ટકા છે.’

IRS શ્રી યોગીશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘એક્ઝમ્પ્શનમાં ૧૨A ના રજિસ્ટ્રેશન અને ૧૮ Gની પરવાનગી આપવામાં આવે છે. સૌથી વધુ સમસ્યા ૧૨A ના રજિસ્ટ્રેશન અને ૧૮ Gમાં આવે છે, જ્યારે આ સંદર્ભે નોટિસ આપવામાં આવે છે, ત્યારે તાત્કાલિક તેનો રિપ્લાય આપો. એક્ઝમ્પ્શનમાં કરવામાં આવેલા ફેરફારો અંગે ચર્ચા કરી હતી.’


મનોજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ‘સુરતમાં વધુ ગ્રિવાઈન્સીસ ખોટા ડિમાન્ડથી સંબંધિત હોય છે. જે વધુમાં ફોર્મ ૯, ૧૦, ૧૦ B અને નોન મેન્શનિંગ રજિસ્ટ્રેશન ITR ના કારણે હોય છે. તેથી ફોર્મ ૯, ૧૦, ૧૦ B, ૧૦ BB અને ITR સમયસર ભરવો જોઈએ. ITR માં રજિસ્ટ્રેશનની વિગતો ચોકસાઈથી ભરવી અત્યંત મહત્વની હોય છે. ઈન્કમ ટેક્ષ એક્ટમાં આપવામાં આવેલા પ્રોવિઝનને કોમ્પ્લાય કરવામાં આવતી સમસ્યાઓ વિશેના સૂચનો ડિપાર્ટમેન્ટમાં આપી શકાય છે.’

આ પ્રસંગે ટ્રસ્ટ અને સોસાયટીના નવા ITR ફોર્મમાં ફેરફાર થવાથી માત્ર કરન્ટ એકાઉન્ટ ફોર્મમાં સ્વીકૃતિ કરવામાં આવે છે, ત્યારે ટ્રસ્ટ અને સોસાયટીના સેવિંગ બેંક એકાઉન્ટને પણ ITR માં સ્વીકૃતિ કરવામાં આવે તેવી ચેમ્બરના માધ્યમથી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ઈન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં જે પણ ફેરબદલ થઈ શકે તે કરવા બાંહેધરી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત બ્રાન્ચ ICAIના ચેરમેન સીએ શ્રી દુષ્યંત વિઠલાનીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ચેમ્બરની ઈન્કમ ટેક્ષ કમિટીના ચેરમેન સીએ શ્રી પ્રજ્ઞેશ જગ્ગાશેઠે સેમિનારની રૂપરેખા આપી હતી, જ્યારે ઈનકમ ટેક્સ કમિટીના કો-ચેરમેન શ્રી દિપેશ શાકવાલાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે, સેમિનારમાં ઉપસ્થિતોના પ્રશ્નોના વક્તાશ્રીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. SGITBA ના ઉપ પ્રમુખ શ્રી આશિષ વકીલે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો, ત્યાર બાદ સેમિનારનું સમાપન થયું હતું.