સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) તથા ભારત સરકારના ધી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા. ૧લી ઓકટોબર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘ટેકનોલોજી ટ્રેન્ડ્સઃ 5G ટેકનોલોજી કેસીસ ઇન એજ્યુકેશન, મેન્યુફેકચરીંગ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, લાઇફ સાયસન્સ એન્ડ હેલ્થકેર અને એગ્રીકલ્ચર’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં TRAIના પૂર્વ સેક્રેટરી શ્રી વી. રઘુનંદને કી–નોટ વકતવ્ય રજૂ કર્યું હતું.
આ સેમિનારમાં નિષ્ણાંત વકતાઓ તરીકે એસવીએનઆઇટી સુરતના પ્રોફેસર ડો. ઉપેના દલાલે ઇન્ડિયન ટેલિકોમ નેટવર્કમાં 5G ટેકનોલોજીઃ 5G ઇવોલ્યુશન અને ડેવલપમેન્ટ માટે ઇકો સિસ્ટમ વિષે, નોકિયાના રેગ્યુલેટરી અફેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રિલેશન્સના હેડ શ્રી અમિત આનંદે મેન્યુફેકચરીંગ, માઇનીંગ એન્ડ પોર્ટ મેનેજમેન્ટમાં 5G ટેકનોલોજીના ઉપયોગ વિષે, મેસર્સ ઇન્ફોર્મેશન ડાટા સિસ્ટમ્સ ઇન્કના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અરવિંદ વોરગન્ટીએ શિક્ષણ, લાઇફ સાયન્સ અને આરોગ્યની સંભાળમાં 5G ટેકનોલોજીના ઉપયોગ વિષે, એસવીએનઆઇટી સુરતના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાઘવેન્દ્ર પાલે કૃષિ, લોજિસ્ટીક અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં 5G ટેકનોલોજીના ઉપયોગ વિષે અને સુરતના એડવોકેટ તેમજ સાયબર સિકયુરિટી એક્ષ્પર્ટ ડો. ચિંતન પાઠકે સાયબર ક્રાઇમ એન્ડ સાયબર ફ્રોડ્સ : પ્રિવેન્શન લાઇઝ ઇન અવેરનેસ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, 5G ટેકનોલોજી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવે જ છે પણ તેની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં, શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના ભણતરમાં સુધારા સાથે પર્યાવરણની જાળવણી પણ કરે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી સ્માર્ટ મેન્યુફેકચરીંગ કરી શકાય છે. આ ટેકનિકથી રીયલ ટાઇમ મોનિટરીંગ કરી શકાય છે. ઓટોમેશન, આઇઓટી ઇન્ટીગ્રેશન, ટ્રાન્સપરન્સી, ડેટા એનાલિટિકસ, મશીન વિઝન સિસ્ટમ્સ, રિસોર્સ મેનેજમેન્ટ અને કસ્ટમાઇઝેશન કરીને ઉત્પાદન પ્રક્રિયામાં ઝડપી સુધારો લાવી શકાય છે. સાથે જ પ્રોડકટની ડિઝાઇનમાં વૈશ્વિક તબકકે ચાલતા ટ્રેન્ડ મુજબ ડેવલપમેન્ટ કરી પ્રોડકટને ગ્લોબલી માર્કેટમાં સ્પર્ધાત્મક બનાવી શકાય છે.
TRAIની રિજીયોનલ ઓફિસ જયપુરના એડવાઇઝર શ્રી એસ.એસ. ચાંડકે સેમિનારમાં સ્વાગત પ્રવચન કરી ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે 5G ટેકનોલોજીને કારણે એજ્યુકેશન, મેન્યુફેકચરીંગ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, લાઇફ સાયન્સ એન્ડ હેલ્થકેર અને એગ્રીકલ્ચર સહિત વિવિધ ક્ષેત્રે થઇ રહેલા ડેવલપમેન્ટ વિષે જાણકારી આપી હતી.
શ્રી વી. રઘુનંદને જણાવ્યું હતું કે, ભારતમાં 5G ટેકનોલોજી અત્યારે ડેવલપ થઇ રહી છે. એના માટે આખી ઇકો સિસ્ટમ ઉભી થઇ રહી છે. આ ટેકનોલોજી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એમએસએમઇની જરૂરિયાત સમજીને તેની સાથે આ ટેકનોલોજીને કેવી રીતે જોડી શકાય તે અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને એક યુઝ કેસને એપ્લાય કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 5G ટેકનોલોજીના ઉપયોગમાં સુરતે લીડ લેવાની જરૂર છે. મેડીકલ સર્જરીમાં તબીબની સાથે ટેકનિકલ પર્સન સહિત ત્રણ જણા ઓપરેટ કરી શકે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી મેડીકલ ક્ષેત્રે હેલ્થ કમ લર્નિંગ પ્રોસેસ શકય થાય છે.
ડો. ઉપેના દલાલે 1Gથી લઇને 5G સુધીની સફર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ભારતમાં વર્ષ ૧૯૮૦માં 1G, વર્ષ ૧૯૯૦માં 2G, વર્ષ ર૦૦૦માં 3G, વર્ષ ર૦૧૦માં 4G, અને વર્ષ ર૦ર૦માં 5G ટેકનોલોજી આવી હતી. 6G ટેકનોલોજીથી સ્માર્ટ ફોનનું ઇન્વેન્શન થયું હતું અને ત્યારબાદ ડેટાનું મહત્વ સમજાયું હતું. 5G આવ્યું ત્યારથી ટેકનોલોજી આસ્પેકટ્સ વધ્યા છે અને આર્કિટેકચરલ ડેવલપમેન્ટ પણ કરવા પડી રહયા છે. જો કે, GSM સર્વિસમાં કોલિંગ સિસ્ટમ હજી પણ છે અને લોકોએ એને છોડી દીધી નથી પણ તેની સાથે લોકોએ નવી સિસ્ટમ પણ અપનાવી છે. સોશ્યલ કનેકટ માટે લોકો નવી ટેકનોલોજી અપનાવી રહયા છે. 5G અને AIમાં પ્રોસેસિંગ ખૂબ જ ઝડપી થઇ રહયું છે. મેન્યુફેકચરીંગ યુનિટ ઉદ્યોગ વિગેરેમાં આ ટેકનોલોનો ઘણો ઉપયોગ થઇ રહયો છે.
શ્રી અમિત આનંદે ડિજીટલ ટ્રાન્સપોર્ટેશન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. પોર્ટ ટર્મિનલ ઓપરેશન્સમાં કલાકોમાં લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે વધારી શકાય અને ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે તેમણે માહિતી આપી હતી. આ ક્ષેત્રે પ્રિડીકટીવ મેઇન્ટેનન્સ, વોઇસ કોમ્યુનિકેશન્સ, ડ્રોન ઇન્સ્પેકશન, રિમોટ રિફર મોનિટરીંગ, વર્કર ફીગર એન્ડ સેફટી અને તેના લાભો વિષે જાણકારી આપી હતી.
શ્રી અરવિંદ વોરગન્ટીએ જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રી ૪.૦થી ઈન્ડસ્ટ્રી પ.૦ની દિશામાં પ્રયાણ કરી રહી છે. જેના માટે એ (એઆઇ), બી (બ્લોક ચેઇન), સી (કલાઉડ), ડી (ડિજીટલ ટવીન) અને ઈ એટલે એકસટેન્ડેડ રિયાલિટી, આ પાંચ ટેકનોલોજી મહત્વની છે. 5G સર્વિસ ઓરિએન્ટલ આર્કિટેકચરને સપોર્ટ કરે છે, તેથી ટ્રેડિશનલ ઈન્ટરનેટ અને ટ્રેડિશનલ એન્ટરપ્રાઈઝ એપ્લિકેશન્સ ટેલિકોમ કંપનીઓ સાથે સંપર્કમાં રહે છે. ભવિષ્યમાં કૌશલ્યને (ક્રિએટીવિટીને) વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્ય માટે બાળકો પાસે ઈમર્સિવ લર્નિંગ, ડોમેઈન પેસિફિક સ્કીલ્સ અને એકસપીરિયન્સલ લર્નિંગની જરૂર છે.
ડો. રાઘવેન્દ્ર પાલે કૃષિ, લોજિસ્ટીક અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં 5G ટેકનોલોજીના ઉપયોગ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે રેન્ટ પર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તેમ છે. વિદ્યાર્થીઓ એક ગામમાં જઇને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને મદદરૂપ થઇ શકે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેલીકોમ્યુનિકેશન્સ જબરજસ્ત ડેવલપ થઇ રહયું છે. સ્માર્ટ કાર, કનેકટેડ હાઉસ, સિકયુરિટી એન્ડ સર્વેલન્સ, સ્માર્ટ ગ્રીડ અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ઝડપી બદલાવ આવી રહયો છે.
ડો. ચિંતન પાઠકે જણાવ્યું હતું કે, દરેક સિક્કાની બે બાજૂ હોય છે. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે નફાની સાથે નુકસાનનું પણ ધ્યાન રાખવું જોઈએ. ટેકનોલોજીમાં ત્રણ વસ્તુઓ સ્પીડ, સિમ્પ્લીસિટી અને સર્વિસનો સમાવેશ થાય છે. યુવાઓએ ધ્યાને રાખવું જોઈએ કે ટેકનોલોજીનો ઉપયોગ નવા ઈનોવેશન માટે કરવાનો છે. વર્ષ ર૦ર૪માં પ્રતિ ૬૦ સેકન્ડે સ્નેપચેટ પર ૩.પ બિલિયન ચેટ થાય છે. એક્સ પર ૩પ૦ હજાર ટ્વીટ્સ, ગુગલ પર ૬.૩ મિલિયન સર્ચ થાય છે અને ઓનલાઈન ૬ મિલિયન લોકો શોપિંગ કરે છે. એક સર્વે અનુસાર, હાલમાં ભારતીય લોકોનો સ્ક્રીન ટાઈમ ૮ કલાક થઈ ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમે શું કરી રહ્યા છો? તે બધાની ફૂટપ્રિન્ટ બને છે અને તમામનો રેકોર્ડ રહે છે.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. TRAIની રિજીયોનલ ઓફિસ જયપુરના જોઇન્ટ એડવાઇઝર શ્રી જે.પી. ગર્ગે સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, SGCCIના આઇટી કોમ્યુનિકેશન એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટના ચેરમેન શ્રી પુનિત ગજેરા, ચેમ્બરના સભ્ય શ્રી હાર્દિક ચાંચડ, આઇટી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. નિષ્ણાંતોએ ઉપસ્થિતોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.